ગિરનાર પર્વત પર દત્તાત્રેય મંદિરમાં 200 લોકોના ટોળાંએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારથી મામલો ગરમાયો

જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા ગુરુ દત્તાત્રેય શિખર પર મોટો વિવાદ સર્જાયો છે, જેમાં 200 લોકોના ટોળાએ મંદિરમાં પ્રવેશ કરી ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો છે. આ મામલે ટ્રસ્ટી દ્વારા પોલીસમાં અરજી કરાઈ છે.

ગુરુ દત્તાત્રેય શિખર પર 200થી 250 જેટલા દિગંબર જૈન લોકોનો સંઘ આવેલો હતો. કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં આ સંઘ દ્વારા ગુરુ દત્તાત્રેય શિખર પર ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી પૂજારી દીપકબાપુ સાથે દૂરવ્યવહાર કરાયો હતો.

ભગવાન દતાત્રેયની મૂર્તિ પર વસ્તુઓના ઘા કરી મૂર્તિ તોડલાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમજ દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા પાસે રહેલી ખુરશીનો ઘા કરી ચરણ પાદુકાને નુકસાન કરવાનો પ્રયત્ન કરાયો.

ટોળાએ હિન્દીમાં સૂત્રોચ્ચાર કર્યા કે ગિરનાર હમારા હૈ, હમ લે કે હી રહેંગે. આ સંઘમાં આવેલા લોકો રુપાયતન પાસે આવેલી ધર્મશાળામાં રોકાયેલા છે. આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુરુ દત્તાત્રેય ગિરનાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીએ ભવનાથ પોલીસમાં અરજી આપી છે.