કેગ રિપોર્ટઃ ગુજરાતમાં 1.36 લાખ આયુષ્માન કાર્ડ શંકાસ્પદ, બિહાર, યુપી કરતાં ગુજરાતમાં PMJAY યોજનામાં વધુ ગેરરીતિ

મેડીકલ ઈન્સ્યોરન્સ જગતમાં મોટી ગેરરીતિ સામે આવી છે. કેગના રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે, ગુજરાતમાં 1,36,220 આયુષ્માન કાર્ડ શંકાના ઘેરામાં છે.

આ કાર્ડ આધારે દર્દીઓએ સારવાર મેળવી છે. ટૂંકમાં યોજનાનો લાભ ન મેળવી શકે તેવા લોકોએ કાર્ડ મેળવીને ખાનગી-સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ લીધી છે.

ઉપરાંત હોસ્પિટલોને સારવાર પેટે કરોડો રુપિયા ચૂકવાઈ ગયા હોવાનું અનુમાન છે. કેગે નોંધ કરી છે કે બિહાર, યુપી સહિત અન્ય રાજ્યો કરતાં ય ગુજરાતમાં આયુષ્માનકાર્ડ- PMJAY યોજનામાં વધુ પ્રમાણમાં ગેરરીતિઓ થઈ છે.

કેગના રિપોર્ટમાં એ વાત બહાર આવી છે કે, ગુજરાતમાં 1,36,220 આયુષ્માન કાર્ડ શંકાસ્પદ છે જેના આધારે ઘણા દર્દીઓએ સારવાર મેળવી લીધી હોવાની આશંકા છે. ઉપરાંત આયુષ્માન કાર્ડ હોસ્પિટલોની આજીવિકાનું મુખ્ય કારણ બની રહ્યું છે.

ખાનગી અને સરકારી હોસ્પિટલો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે તેમ આરોગ્ય વિભાગ સારવાર પેટે કરોડોનું ચૂકવણું કરી રહી છે. ગુજરાતમાં 77,149 કાર્ડમાં ગેરરીતિ થઈ છે કે નહીં? તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. ઓડિટમાં જાણવા મળ્યું કે, 19,438 કાર્ડમાં કોઈ ગેરરીતિ થઈ નથી જ્યારે 6,690 કાર્ડની તપાસ હજુ ચાલુ છે. રાજ્યમાં કુલ મળીને 2,47,706 કાર્ડની તપાસ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે દેશમાં કુલ મળીને 10.68 લાખ શંકાસ્પદ આયુષ્માન કાર્ડ હોવાનો અંદાજ છે, જેમાં ગુજરાતમાં સૌથી વધુ શંકાસ્પદ કાર્ડ આધારે ગેરરીતિ થઈ છે.

કેગ દ્વારા એક યાદી પણ જાહેર કરાઈ છે, જેમાં ગુજરાતમાં 1,36,220 કાર્ડ, પંજાબમાં 32,598 કાર્ડ, મધ્યપ્રદેશમાં 42,436 કાર્ડ, મેઘાલયમાં 18,502 કાર્ડ, ઝારખંડમાં 34,987 કાર્ડ, ઉત્તરપ્રદેશમાં 40, 222, મહારાષ્ટ્રમાં 33,616 કાર્ડ શંકાસ્પદ હોવાનું જાણવા મળી રહ્યું છે.