આજથી એક મહિનો ‘વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ થીમ હેઠળ 33 જિલ્લા અને 4 મહાનગરોમાં કાર્યક્રમ

જાન્યુઆરી 2024માં યોજાનારી વાઈબ્રાન્ટ સમિટના ભાગરુપે ગાંધી જ્યંતીથી લઈને સરદાર પટેલ જ્યંતી સુધી એટલે કે 2થી 31 ઓક્ટોબર 2023 સુધી ‘વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ થીમ હેઠળ કાર્યક્રમ યોજાશે, જેમાં ગુજરાતના 33 જિલ્લાઓ અને 4 મહાનગરો એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એક કુલ 37 જગ્યાઓએ કાર્યક્રમો યોજાશે.

વિવિધ કાર્યક્રમોમાં કેપેસિટી બિલ્ડિંગ, ઉદ્યોગ સાહસિકતા, એક્સપોર્ટ પ્રમોશન, માર્કેટ લિંકેજ માટે સેમિનાર-વર્કશોપનું આયોજન કરાશે.
આ તમામ કાર્યક્રમોનું સંકલન ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ, જિલ્લા વહીવટી તંત્રો, એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ કરશે.

આ કાર્યક્રમો હેઠળ ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ હેઠળ લોન મેળાઓ પણ યોજાશે. આ કાર્યક્રમોમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે 2-3 દિવસ સુધી એક એક્ઝિબિશન યોજાશે, જેમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગો વગેરેનો સમાવેશ કરાશે.

ઉપરાંત સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો, ખાદી અને ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરેને પણ આ કાર્યક્રમોમાં સાંકળી લેવાશે.