MS યુનિ.માં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 30 અધ્યાપકોનો પગાર અટકાવ્યો

વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી (MS)માં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર કામ કરતા 30 જેટલા અધ્યાપકોનો પગાર છેલ્લા બે મહિનાથી અટકાવી દેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકો સિવાય સેલ્ફ ફાઈનાન્સ કોર્સમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર પણ અધ્યાપકોની નિમણૂક કરવામાં આવતી હોય છે. યુનિવર્સિટીમાં જ્યાં જ્યાં સેલ્ફ ફાઈનાન્સ કોર્સ ચાલે છે ત્યાં આ પ્રકારના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા અધ્યાપકો છે.

આ પ્રકારના અધ્યાપકો માટે 2018માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે અધ્યાપકોને અભ્યાસમાં પાંચ વર્ષનો અનુભવ થઈ ગયો હશે તેમને 40,000 રુપિયાની જગ્યાએ પગાર વધારીને 50,000 રુપિયા કરવામાં આવશે. આ પછી અધ્યાપકોનો અનુભવ હતો એથી તેમનો પગાર વધારાયો હતો.

હવે સમાચાર આવી રહ્યા છે કે ઓડિટ વિભાગને લાગ્યું છે કે આવા 30 અધ્યાપકોને ખોટી રીતે પગાર વધારો આપવામાં આવ્યો છે. કારણ કે તેમનો માત્ર કોન્ટ્રાક્ટ પરના અધ્યાપક તરીકે પાંચ વર્ષનો અનુભવ થતો નથી, તેમાં અગાઉ હંગામી અધ્યાપક તરીકે બજાવેલી ફરજનો અનુભવ પણ ઉમેરાયો છે. આમ યુનિવર્સિટીના ઓડિટરે છેલ્લા બે મહિનાથી આ અધ્યાપકોનો પગાર અટકાવી દીધો છે.

કોન્ટ્રાક્ટ પરના આ અધ્યાપકો હવે ફેકલ્ટી ડીનથી માંડીને યુનિવર્સિટીના અધિકારીઓને પગાર ચૂકવવા માટે વિનંતી કરી રહ્યા છે. હવે આ તમામ 30 અધ્યાપકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેવું તમામ અધ્યાપકોએ જણાવ્યું હતું.