પાવરગ્રીડ ખાવડા સી ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા અમદાવાદથી છેક દક્ષિણ ગુજરાત સુધી બન્ને છેડે 765 કેવીના બે લાઈન માટે જમીન સંપાદન કરવા માટે જાહેરનામુ બહાર પડાયું છે. આ જાહેરનામામાં સુરત જિલ્લાના છ તાલુકાના 87 ગામોમાંથી વીજ લાઈન પસાર થનાર હોવાથી ખેડૂત સમાજના આગેવાનો દ્વારા જમીન એકવાયર કરવાને લઈને લડતની ચીમકી અપાઈ છે.
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની 100 ટકા સંપૂર્ણ માલિકીની પેટા કંપની પાવરગ્રીડ સી-ટ્રાન્સમિશન દ્વારા અમદાવાદથી ધોળકા, વડોદરાથી લઈને દક્ષિણ ગુજરાતના ભરુચ, નવસારી, સુરત જિલ્લાની જમીનો સંપાદન કરવા માટે જાહેરનામુ બહાર પડાયું છે, જેમાં સુરત જિલ્લાના છ તાલુકા માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, પલસાણા, ચોર્યાસીના 87 ગામોની જમીનો સંપાદન થનાર છે. જેને લઈને ખેડૂત સમાજ દ્વારા લડત ચલાવવાનું નક્કી કરાયું છે.
આવતીકાલે એટલે કે 4 ઓક્ટોબરના રોજ નવસારી ખાતે પાવરગ્રીડની ઓફિસ ખાતે અસરગ્રસ્ત ખેડૂતો રજૂઆત કરશે. સાતમી ઓક્ટોબરના રોજ સુરતના માંગરોળ તાલુકાના કઠવાડા ગામે આવેલી દૂધ મંડળી ખાતે બપોરે ત્રણ કલાકે અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠકનું આયોજન થયું છે, જેમાં આગામી લડતની રણનીતિ નક્કી કરાશે.