G-20 માટે ભવ્ય આયોજનો અમદાવાદમાં થયા જેના સાક્ષી સૌ કોઈ છે પરંતુ શું આ પ્રકારના વાઈબ્રન્ટ આયોજનો વચ્ચે ક્યાંક આપણે આપણી પ્રાથમિક જરુરિયાતો સામે આંખ આડા કાન કર્યા છે? આ સવાલનો જવાબ ભલે સત્તા પક્ષ પાસે ન હોય પરંતુ જે પ્રકારની ત્રુટિઓ અવારનવાર આપણી સામે આવે છે તેને જોતાં એલર્ટ થવાની જરુર ખરી..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત હોસ્પિટલોમાં જે પ્રકારની આરોગ્ય વ્યવસ્થાઓ છે તેને લઈને સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં જ એક ઘટનાએ ભારે ચકચારી જગાવી છે અને વિપક્ષના નેતાએ ખુદ દરમિયાનગીરી કરીને મામલો વધુ ગંભીર છે તેવા આક્ષેપો સ્થાનિક કોર્પોરેશન સામે કર્યો છે.
AMC સંચાલિત એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ, નગરી હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કાયમી સુપ્રિટેન્ડન્ટ નહીં હોવાથી દર્દીઓ ભગવાન ભરોસે છે. ભાજપાના સત્તાધીશો અને અધિકારીઓ તેઓના માનીતા ડોક્ટરને સાચવવા આ હોસ્પિટલોમાં ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમણૂક આપતાં આરોગ્ય સેવાઓ ખાડે ગઈ હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા છે.
શારદાબેન હોસ્પિટલમાં દાખલ નાના બાળકને દવાની જગ્યાએ ફીનાઈલ પીવડાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ શારદાબેન હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ગંભીર ઘટનાની નોંધ લઈ તપાસ કરવા માંગ કરી છે.
વિપક્ષના નેતાએ જણાવ્યું કે, સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં ગરીબ તેમજ સામાન્ય વર્ગમાંથી આવતા 11 માસના બાળક જે પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર અર્થે દાખલ હતો, ત્યાં ફરજ પર હાજર નર્સ દ્વારા દવા પીવડાવતાં બાળકને પરસેવો થવાના તેમજ મોંઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું. તરત બાળકની માતા દ્વારા તે દવાની બોટલ ડોક્ટરને બતાવતા તેમાં દેવા નહીં પરંતુ અન્ય પ્રવાહી હોવાનું જણાયું છે.
ઉપરાંત આ ઘટનાને લઈને વિપક્ષે અનેક ગંભીર આરોપ તંત્ર અને આરોગ્ય વ્યવસ્થા પર કર્યા છે અને તમામ હોસ્પિટલોમાં સુપ્રિટેન્ડન્ટની જગ્યા પર કાયમી ડોક્ટરની તાકીદે નિમણૂક કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.