ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ અને ખાલિસ્તાની આતંકીઓ દ્વારા દેશ અને દુનિયામાં ભારતીયો પર સતત વધી રહેલા હુમલાઓને પગલે આગામી દિવસોમાં યોજાનાર આગામી ક્રિકેટ વર્લ્ડને જોતા સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થામાં સહેજ પણ કચાશ ન રખાય તેવી સઘન સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે. જેને પગલે અમદાવાદમાં આગામી વર્લ્ડ કપની 5 મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં 3 ડ્રોનથી પેટ્રોલિંગ કરાશે.
આતંકવાદી હુમલાની ધમકીની ગંભીરતાને જોતા પાંચેય મેચમાં સ્ટેડિયમની અંદર, બહાર અને આસપાસના વિસ્તારોમાં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રહેશે. સ્ટેડિયમની અંદર અને બહાર બે લેયરની સુરક્ષાની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું કે, મેચ પહેલા આતંકવાદી હુમલાની ધમકી અપાઈ હતી, જેની ગંભીરતાથી નોંધ લઈને સ્ટેડિયમની અંદર અને બહાર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે.
સ્ટેડિયમની અંદર-બહાર તેમજ રસ્તાઓ પર ટ્રાફિક સહિત પોલીસના 2982 અધિકારી-કર્મચારીનો બંદોબસ્ત રહેશે. ખેલાડીઓ રોકાયા છે તે 2 હોટેલ અને પાયલોટિંગ મળીને મેચમાં અંદાજે 3500 પોલીસ અધિકારી-કર્મચારીનો બંદોબસ્ત રહેશે.
5 મેચ દરમિયાન અમદાવાદમાં કયા રસ્તા ખુલ્લા અને બંધ રહેશે
વર્લ્ડ કપની પાંચેય મેચ દરમિયાન સવારે 11થી રાતના 12 વાગ્યા સુધી અમદાવાદમાં જનપથ ટીથી સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડન્સી થઈ મોટેરા સુધીના તમામ રોડ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસિડન્સી, શરણ સ્ટેટ્સ ચારથી ભાટ કોટેશ્વર રોડથી એપોલો સર્કલ જઈ શકાશે.
વર્લ્ડ કપની મેચ દરમિયાન મેટ્રો રાત્રે 1 સુધી ચાલુ રહેશે, રુ.50 ટિકિટ ચાર્જ આપવો પડશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે મેચના દિવસોમાં મેટ્રો ટ્રેનનો સમય વધારવાનો નિર્ણય કર્યો છે, જે દિવસે મેચ હશે તે દિવસે મેટ્રો ટ્રેન સવારના 6.20થી રાત્રિના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. રુ. 50ની પેપર ટિકિટ લેવી પડશે.