એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે વહેલી સવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના દિલ્હીના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. EDની ટીમ ઘરની તપાસ કરી રહી છે. EDની ટીમ લાંબા સમયથી ઘરની અંદર હાજર છે.
તમને જણાવી દઈએ કે દારુ કૌભાંડમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં AAP સાસંદ સંજય સિંહનું નામ સામેલ હતું. સંજય સિંહના નજીકના સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.
આ પહેલા પણ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ તપાસ એજન્સીઓના રડાર પર આવી ચૂક્યા છે. ગયા વર્ષે મે મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં AAP સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. જોકે હવે તેને બીમારીના કારણે કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા ED દ્વારા દારુ કૌભાંડમાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ મનીષ સિસોદિયા જેલમાં છે.