મહારાષ્ટ્રઃ નાંદેડ પછી ઔરંગાબાદની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 18 લોકોના મોત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH) માં મંગળવાર (3 ઓક્ટોબર) સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં ઓછામાં ઓછા 18 મૃત્યુ નોંધાયા હતા. એક અધિકારીએ આ અંગેની જાણકારી આપી હતી.

આ પહેલા નાંદેડ સ્થિત ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં 30 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર વચ્ચેના 24 કલાકમાં 24 મૃત્યુ નોંધાયા હતા અને ત્યાર બાદ 1 થી 2 ઑક્ટોબરની વચ્ચે વધુ સાત મૃત્યુ નોંધાયા હતા. આમ 48 કલાકમાં કુલ મૃતકોની સંખ્યા વધીને 31 થઈ ગઈ છે.

ધ ટેલિગ્રાફના અહેવાલ અનુસાર, હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, ‘ઔરંગાબાદની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 2 ઓક્ટોબરથી 3 ઓક્ટોબરના સુધી 18 લોકોના મોત નોંધાયા હતા.’

તેમણે કહ્યું કે હોસ્પિટલમાં નોંધાયેલા 18 મૃત્યુમાંથી ચાર લોકોને મૃત સ્થિતિમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, ’18 દર્દીઓમાંથી 2નું હાર્ટ એટેકથી મોત થયું હતું, જ્યારે 2 અન્ય ન્યુમોનિયાથી પીડિત હતા. 3 અન્ય દર્દીઓનું કિડની ફેલ થવાને કારણે અને 1 વ્યક્તિનું લિવર ફેલ થવાને કારણે મૃત્યુ થયું હતું. લીવર અને કિડની ફેલ થવાના કારણે એક દર્દીનું મોત થયું હતું. માર્ગ અકસ્માત, ઝેર અને એપેન્ડિક્સ ફાટ્યા પછી ચેપને કારણે એક-એક મૃત્યુ નોંધાયા છે.

અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલમાં સારવારના છઠ્ઠા દિવસે (2 અને 3 ઓક્ટોબરની વચ્ચે) બે પ્રિમેચ્યોર બાળકોના મૃત્યુ થયા. તેમણે કહ્યું- “તેઓ સમયથી પહેલા જન્મેલા બાળકો હતા અને દરેકનું વજન માત્ર 1,300 ગ્રામ હતું,”

અધિકારીએ કહ્યું કે હોસ્પિટલમાં જીવનરક્ષક દવાઓની કોઈ અછત નથી. તેમણે કહ્યું, ‘અમે એ શોધી રહ્યા છીએ કે આમાંથી કયા કેસ (18 મૃત્યુ) છેલ્લી ક્ષણે GMCHને રિફર કરવામાં આવ્યા હતા.’

તેમણે કહ્યું કે હોસ્પિટલમાં 1,177 પથારીની પરવાનગી છે, પરંતુ દરેક સમયે 1,600 થી વધુ દર્દીઓ દાખલ હોય છે.

તેમણે કહ્યું, અમારી પાસે ગયા મહિને લગભગ 28,000 દર્દીઓ દાખલ થયા હતા. તેમાંથી, અહીં (સપ્ટેમ્બરમાં) 419 મૃત્યુ નોંધાયા હતા. આ હોસ્પિટલમાં મરાઠવાડા ક્ષેત્રના વિવિધ જિલ્લાઓ અને ઉત્તર મહારાષ્ટ્રના શહેરોમાંથી દર્દીઓ આવે છે.

આ પણ વાંચો- સિક્કિમમાં આવેલા અચાનક પૂરના કારણે સેનાના 23 જવાનો ગુમ