મેકકાર્થીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર પદથી હટાવ્યા, અમેરિકન રિપબ્લિકન શટડાઉન રોકવામાં તેમની ભૂમિકા પર નારાજ હતા

રિપબ્લિકન સાંસદ કેવિન મેકકાર્થીને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ, યુએસ સંસદ કોંગ્રેસના નીચલા ગૃહે મંગળવારે (સ્થાનિક સમય) મેકકાર્થીને સ્પીકર પદ પરથી હટાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. અમેરિકાના ઈતિહાસમાં આ પ્રકારનું મતદાન પ્રથમ વખત થયું છે. આ સાથે જ મેકકાર્થી વોટિંગ દ્વારા પદ પરથી હટાવવામાં આવેલા પ્રથમ સ્પીકર બની ગયા છે.

મેકકાર્થીએ કુલ 269 દિવસ સુધી હાઉસ સ્પીકર તરીકે સેવા આવી હતી, જે યુએસ ઈતિહાસમાં કોઈપણ સ્પીકરનો બીજો સૌથી ટૂંકો કાર્યકાળ હતો. મેકકાર્થી 7 જાન્યુઆરી 2023ના રોજ સ્પીકર તરીકે ચૂંટાયા હતા અને મંગળવારે તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

મિડિયા રિપોર્ટ અનુસાર, ગૃહે હવે નવા સ્પીકરની પસંદગી કરવી પડશે. પરંતુ કોઈપણ પક્ષ પાસે જીતવા માટે જરુરી સમર્થન નથી.
અમેરિકામાં શટડાઉનથી બચવા માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ફંડિંગ બિલ પાસ કરાવવામાં મેકકાર્થીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રિપબ્લિકન સાંસદો તેમના આ પગલાંથી નારાજ હતા. આ કારણસર તેમણે મેકકાર્થીને સ્પીકર પદેથી હટાવવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

મેકકાર્થીને હટાવવાની દરખાસ્ત ગૃહમાં 216-210ના મત દ્વારા પસાર કરવામાં આવી હતી. સાત રિપબ્લિકન ધારાસભ્યોએ મેકકાર્થીને પદ પરથી હટાવવાના ઠરાવની તરફેણમાં મત આપ્યો છે.