ધર્મેન્દ્ર ત્રિવેદી- ગુજરાત વિધાનસભા અધિકારી; એક મિત્રએ વર્ષો પૂર્વે કબાડીમાંથી મળી આવેલું સર્પો પરનું અત્યંત જૂનું પુસ્તક ભેટ આપેલું. આ પુસ્તકના શરૂઆતના કોરા પાનાં પર તેણે અજ્ઞેયજીની એક બહુ સુંદર કવિતા લખીને મને પુસ્તક અર્પણ કરેલું.
સાંપ !
તું સભ્ય તો બન્યો નથી
નગરમાં વસવાનું
પણ તને આવડ્યું નહીં.
એક વાત પૂછું – (ઉત્તર આપીશ ?)
તો પછી ડંસતા ક્યાંથી શીખ્યો-
ઝેર ક્યાંથી લાવ્યો?
– અજ્ઞેય
કેવી મજાની કાવ્યાત્મક વાત ! માનવના સંપર્કમાં આવ્યો નથી છતાં સાપ ઝેરી કેવી રીતે બન્યો હશે ? તો આમ તો આપણને પણ એ પ્રશ્ન થાય કે સાપ અને વિશ્વના અન્ય પ્રાણીઓમાંથી થોડા પ્રાણીઓ જ ઝેરી શા માટે હશે. તો એનો જવાબ છે શિકાર અને સ્વબચાવ. માણસ સિવાય આ પૃથ્વી પર બીજું એવું કોઈ પ્રાણી નથી જે ભૂખ ભાંગવાં અને સ્વબચાવ સિવાય હિંસા કરતું હોય.
આજે આપણે સાંપના ઝેરની એવી થોડી વાતો કરવી છે જે સામાન્ય માણસ સમજી શકતો નથી. સાંપના ઝેર વિશે આપણે કદાચ અગાઉ થોડી વાતો કરી ચૂક્યા છીએ, પરંતુ આજે જે વાત છે તે આમ જુઓ તો જરાય મહત્વની નથી અને આમાં જુઓ તો સમજવી જરૂરી તો છે જ.
એક સ્થળે સર્પ અંગે એક અનુભવી અને સાપ અંગે જાણકાર વ્યક્તિ સર્પો પર લેકચર આપી રહ્યાં હતાં કે “ભારતમાં મુખ્ય ચાર સાપ ઝેરી છે, નાગ, કાળોતરો, ફુરસો અને ખડચીતળ, એ તમામની અલગ અલગ જાતિ-પ્રજાતિઓ છે, પરંતુ આ ચારે પ્રકારના સાપ ઝેરી કહેવાય છે અને બાકીના બિનઝેરી.”
શ્રોતાઓમાં એક લબરમૂછીયો બેઠેલો જે સાપ અંગે જાણતો હતો. તેણે ઊભા થઈને કહ્યું “સાહેબ તમે લોકોને ખોટી જાણકારી આપી રહ્યાં છો. ઝેરી સિવાયના બધા સાપ બિનઝેરી નથી હોતા પરંતુ આંશિક રીતે ઝેરી હોય છે. તમારી પાસે સાચું જ્ઞાન જ નથી !” તમને ધ્યાનપૂર્વક સાંભળી રહેલી બસો ત્રણસોની મેદની વચ્ચે જો કોઈ ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરે તો તમારી પૂંછડી પણ દબાય, સાદી ભાષામાં કહીએ તો તમારી ઈગુડી જરૂર હર્ટ થાય જ ને ? પરંતુ આપણા આ વક્તા કઈંક નોખી માટીના હતાં. તેણે બહુ જ શાંતિથી એ યુવાનની વાતને સમર્થન પણ આપ્યું અને તેની અપમાનજનક વાતનો સજ્જડ જવાબ પણ આપ્યો.
મે જે વાત કરી તેના પરથી તમને લાગ્યું કે મને સાપ વિશે ખાસ જ્ઞાન નહીં હોય . . . પરંતુ મિત્ર તમે બાળક અવસ્થામાં હતા ત્યારે હું સ્નેક રેસ્ક્યુ કરતો, ટીવી પર ઇન્ટરવ્યૂ આપતો, છાપામાં અવેરનેસના આર્ટિકલ લખતો અને શાળા કોલેજોમાં પ્રવચનો આપતો હતો. અને આટલી પ્રવૃત્તિ માટે જ્ઞાનનો પાયો મજબૂત જોઈએ. ઝેરી સિવાયના તમામ સાપ આંશિક ઝેરી છે અને બિનઝેરી નથી એવા જ્ઞાનની મને જરૂર નથી, કે નથી અહી ઉપસ્થિત સાપ વિશે કશું ન જાણતા તમામ સામાન્ય માણસોને. સામાન્ય માણસને આટલા ઊંડા જ્ઞાનની જરૂર નથી એનું પણ કારણ છે જે જણાવવાની મને હવે ફરજ પડી છે.
પ્રથમ મુદ્દો એ કે ઝેરી સાપ એટલે કે જે સાપના કરડવાથી માણસનું મૃત્યુ થાય એ તમામ સાપ. સામાન્ય ભાષામાં બિનઝેરી એટલે જેના કરડવાથી માણસનું મૃત્યુ ન થાય એ તમામ સાપ. હવે મુદ્દો એ છે કે બિનઝેરી કહીએ છીએ તે તમામ સાપ પણ વૈજ્ઞાનિક હકીકત મુજબ તો આંશિક ઝેરી છે. તો સૌને હવે પ્રશ્ન એ થશે કે આંશિક ઝેરી સાપ એટલે શું? જે સાપના શરીરમાં ઝેરની કોથળી નથી પરંતુ તેની લાળમાં પોતાના નાના કદના શિકારને નિષ્ક્રિય કરવા અને પચાવવામાં મદદરૂપ થાય એટલી માત્રામાં ઝેર હોય એ તમામ આંશિક રીતે ઝેરી ગણાય.
હવે વાત એ આવે છે કે સામાન્ય જનતાને ઝેરી-બિનઝેરી સિવાય આંશિક ઝેરી શબ્દ વિશે હું જ્ઞાન કેમ નથી આપતો ? મારા અનુભવો પરથી સમજાયું છે કે સામાન્ય વ્યક્તિને તમામ સાપ ઝેરી જ લાગે છે એટલે તેનો ડર હોય છે. અને તે ડરના લીધે જ સાપને મારી નાખવામાં આવે છે. મુખ્ય ચાર ઝેરી સિવાયના આંશિક ઝેરી સાપ માણસને કરડે તો પણ કશું થવાનું નથી.
તેથી સામાન્ય લોકોને હું આ આંશિક ઝેરી સાપો પણ બિનઝેરી છે એવું જ કહું છું. કારણ કે આ આંશિક ઝેરી શબ્દ પણ માણસોના સાપ માટેનો ડર પ્રબળ બનાવી શકે છે. આ કારણે જે સાપથી માણસને જીવનું જોખમ નથી એ સાપોની જાતિની ઓળખ હું બિનઝેરી તરીકે આપું છું જેથી માનવના મનમાં સાપનો ભય ઓછો થાય.
સાપ બચાવવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે લોકોને સાપ અંગે જાગૃતિ ફેલાવવાનું. આ વડીલનો મુખ્ય હેતુ સાપ માટે લોકોના મનમાં જે ભય અને નફરત છે તે ઓછી કરવાનો હતો, અને પેલા યુવાને પોતાનું જ્ઞાન મોટું છે એવું દેખાડવા સાપ બિનઝેરી નથી હોતા પરંતુ આંશિક રીતે ઝેરી હોય છે એવી વાત કરી હતી. પરંતુ આમ કરવાથી લોકો દ્વિધામાં મુકાશે એ વાત તેણે વિચારી નહોતી.
તમારી પાસે જ્ઞાન છે એ સારી વાત છે પણ એટલા માટે બીજા અજ્ઞાની અને અબુધ છે એ રીતે વર્તવું એ અધૂરા જ્ઞાનની નિશાની છે.