દિલ્હી પોલીસે પત્રકારોના ઘરે કેમ દરોડા પાડ્યા?

દિલ્હી પોલીસના પત્રકારો પર દરોડા- ગુજરાત ટાઈમ્સ24

નવી દિલ્હી: દિલ્હી પોલીસ દ્વારા મંગળવારે સવારે મીડિયા આઉટલેટ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારો, કાર્યકર્તાઓ, સ્ટેન્ડ-અપ કોમેડિયન વગેરેના ત્યાં દરોડા પાડીને તેમના મોબાઈલ, લેપટોબ વગેર જપ્ત કરીને તેમના સાથે પૂછપરછ કરવામાં આવી હતી. આ કાર્યવાહી પછી વિપક્ષી નેતાઓ અને પત્રકાર સંગઠનોએ તેની ખુબ જ ટીકા કરી છે.

જોકે, દિલ્હી પોલીસે અત્યાર સુધી દરોડા અને પૂછપરછ પર સત્તાવાર કોઈ જ નિવેદન આપ્યું નથી પરંતુ મીડિયાના સુત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર આ કાર્યવાહી 7 ઓગસ્ટ, 2023માં નોંધાયેલી એફઆઈઆરના સંબંધમાં છે, જેમાં કડક યૂએપીએ અધિનિયમની અનેક ધારાઓ સહિત આઈપીસીની 153 (એ) અને 120 (બી) કલમો લગાવવામાં આવી છે.

UAPA હેઠળ નોંધાયેલી FIR નંબર 224/2023ના સંબંધમાં કુલ 37 પુરૂષો અને નવ મહિલાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પુરુષોને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે મહિલાઓની તેમના ઘરે પૂછપરછ કરવામાં આવી હતી. આમ એકસાથે 37 એવા લોકો સાથે પૂછપરછ કરવામાં આવી છે, જેઓ એક યા બીજી રીતે સરકારને તેમની નીતિઓમાં રહેલી ખામી અને દોષ બતાવતા રહ્યાં છે.

એફઆઈઆરમાં કઠોર યૂએપીએની અનેક ધારાઓ (13, 16, 17, 18 અને 22) ઉપરાંત ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની ધારા 153એ (ધર્મ, જન્મ સ્થાન, નિવાસ, ભાષા વગેરેના આધાર પર વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું અને સદભાવના બનાવી રાખવા વિરૂદ્ધ કાર્ય કરવું) અને ધારા 120બી (અપરાધીક ષડયત્રમાં સામેલ હોવુ)ને સામેલ કરવામાં આવી છે.

આ કેસ કથિત રીતે ભાજપાના એક દાવા સાથે સંબંધિત છે, જ્યાં ભાજપા સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભામાં ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓ અને ન્યૂઝક્લિકને “ભારત વિરોધી” માહોલ બનાવવા માટે ચીન પાસેથી ફંડ મળે છે.

મંગળવાર વહેલી સવારે વીડિયો પત્રકાર અભિસાર શર્મા, વરિષ્ઠ પત્રકાર ભાષા સિંહ, અનુભવી પત્રકાર ઉર્મિલેશ, સમાચાર વેબસાઈટ ન્યૂઝક્લિકના સંપાદક પ્રબીર પુરકાયસ્થ અને લેખક ગીતા હરિહરન, પ્રસિદ્ધ પત્રકાર અને ટિપ્પણીકાર ઔનિંદ્યો ચક્રવર્તી, કાર્યકર્તા અને ઇતિહાસકાર સોહેલ હાશમી ઉપરાંત સ્ટેન્ડ-અપ કોમેડિયન સંજય રાજૌરાના ત્યાં દરોડા પાડવામાં આવ્યા. તે પછી અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને મંગળવાર સાંજે છોડી મૂકવામાં આવ્યા હતા.

જે પત્રકારો અને સ્ટાફર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તેમને મીડિયાને જણાવ્યું કે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ભારતમાં ખેડૂતોના વિરોધ અને કોવિડ મહામારી જેવી ઘટનાઓ પર રિપોર્ટિંગ કર્યું હતું.

આ કાર્યવાહીની મીડિયા સંગઠનો, સામાજિક કાર્યકર્તાઓ સહિત વિપક્ષે પણ નિંદા કરી છે.

પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા, મુંબઈ પ્રેસ ક્લિબ, એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને નેટવર્ક ઓફ વિમેન ઈન મીડિયા, ઈન્ડિયા (એનડબ્લ્યૂએમઆઈ)એ મીડિયાની સ્વતંત્રતા પર દરોડાના ગંભીર પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરી છે.

એડિટર્સ ગિલ્ડે કહ્યું કે, ગિલ્ડ 3 ઓક્ટોબરે વરિષ્ઠ પત્રકારોના ઘરો પર દરોડા અને ત્યાર બાદ અનેક પત્રકારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા તેનાથી તેઓ ખુબ જ ચિંતિત છે અને તે રાજ્યને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવા અને કઠોર આપરાધિક કાયદાઓ થકી પ્રેસને ડરાવવા-ધમકાવાનું હથિયાર ન બનવા દેવા આગ્રહ કરે છે.

એનડબ્લ્યૂએમઆઈએ કહ્યું, સત્તા સામે સત્ય બોલનારા પત્રકારો, કાર્યકર્તાઓ અને કલાકારોને સરકાર દ્વારા સતત હેરાન અને ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જ્યારે ચાપલૂસ મીડિયાકર્મિઓ અને મીડિયા સંસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અસંમતિને કચડવાનો આ અભિયાન ખત્મ થવો જોઈએ.

નેશનલ એલાયન્સ ઓફ જર્નલિસ્ટ, દિલ્હી યૂનિયન ઓફ જર્નલિસ્ટ્સ અને કેરલ યૂનિયન ઓફ વર્કિંગ જર્નલિસ્ટ્સ (દિલ્હી યૂનિટ)એ પણ આવી રીતના નિવેદન આપ્યા છે.

તેમણે કહ્યું, અમે માનીએ છીએ કે, આ કેન્દ્ર દ્વારા પ્રેસની આઝાદીને ખત્મ કરવાનો વધુ એક પ્રયાસ છે. કોઈ મીડિયા સંગઠનમાં લગભગ બધા કર્મચારીઓ પર છાપા મારવા અને તેમને ડરાવવા-ધમકાવવા જેવી કાર્યવાહી વિશે ક્યારેય સાંભળી નથી. ન્યૂઝક્લિક મેનેજમેન્ટ તેવું કહેતું રહ્યું છે કે તેને જે પણ ધન પ્રાપ્ત થયું છે તે કાયદાના સ્ત્રોતોના માધ્યમથી પ્રાપ્ત થયું છે અને તેના સાક્ષી દિલ્હી હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

અખિલ ભારતીય લોકતાંત્રિક મહિલા સંઘ (એડવા)એ પણ મંગળવારે પત્રકારો વિરૂદ્ધ થયેલા કાર્યવાહીની નિંદા કરી છે. તેમને નિવેદનમાં કહ્યું કે, આ ખુબ જ અલોકશાહી, અન્યાયી, દમનકારી કાર્યવાહી સ્પષ્ટ રૂપથી સ્વતંત્ર અને નિડર પત્રકારો અને અન્ય લોકોને ડરાવવા માટે કરવામાં આવી છે, જે સરકારી નીતિઓના ટીકાકાર રહ્યાં છે. ભાજપા સરકારે હવે આ છાપાઓને અંજામ આપવા અને સંબંધિત વ્યક્તિઓના લેપટોપ અને મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક ચીજ-વસ્તુઓને જપ્ત કરવા માટે આઈપીસીની અન્ય ધારાઓ સાથે કડક યૂએપીએનો ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

દિલ્હી પોલીસની કાર્યવાહી ઇતિહાસકાર સોહેલ હાશમીના ત્યાં પણ થઈ. તેમની બહેન અને સામાજિક કાર્યકર્તા શબનમ હાશમીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે, આ સરકારમાં પત્રકારો, બુદ્ધિજીવીઓ, કલાકારો અને આમ નાગરિકોની લોકશાહી અવાજોને દબાવવાનું કામ યથાવત છે.

તેમને લખ્યું, કાનૂની કાર્યવાહીના નામ પર આજ સામાન્ય લોકોને સરકાર દ્વારા સીધા ધમકી, ત્રાસ અને ડરનો સામનો કરવો પડી રહ્યો છે. નાગરિકોને બંધારણીય અધિકારોનો પ્રયોગ કરવાથી રોકવા માટે સરકારની આવી ડરાવવા-ધમકાવનારી રણનીતિથી અમે ચૂપ રહીશું નહીં.

વિપક્ષે કરી ટીકા, કહ્યું- ધ્યાન ભટકાવવાની નવી રીત

કોંગ્રેસ નેતા પવન ખેડાએ લખ્યું કે પત્રકારો વિરૂદ્ધ આ કાર્યવાહી બિહારના જાતિ-આધાર્તિ સર્વેના પરિણામો અને દેશભરમાં વધતી જાતિ જનસંખ્યાની માંગ પરથી ધ્યાન ભટકાવવાની નવી રીત છે.

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને પણ એક નિવેદન જાહેર કરીને પત્રકારોને ત્યાં પડેલા દરોડાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે, તેઓ મીડિયા અને બંધારણ દ્વારા સંરક્ષિત બોલવા અને અન્ય અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે દ્રઢતાપૂર્વક ઉભા છે.

તે ઉપરાંત ઇન્ડિયાએ માહિતી ટેકનોલોજી (આઈટી) નિયમોના વિનાશકારી પ્રભાવોનો ઉલ્લેખ કર્યો છે.

આમ દિલ્હી પોલીસે પત્રકારો પર દરોડા પાડવા માટે ભલે ગમે તે કારણ આગળ ધર્યું હોય પરંતુ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે, એકસાથે 37 એવા લોકોની પૂછપરછ કરાઇ છે, જેઓ સરકારના કામકાજની ટીકા કરતાં આવ્યા અને ખરાબ નીતિઓને ઉજાગર કરતા આવ્યા છે. આમ સરકારે તેમના વિરોધીઓના મોઢા બંધ કરાવવા માટે પોલીસને આગળ ધરી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

આ તમામ લોકો ક્રિમિનલ કે અપરાધી નથી, તેઓ હોશિયાર પત્રકારોની સાથે-સાથે બુદ્ધિજીવી પણ છે. તેમના અત્યાર સુધીના રિપોર્ટ તપાસો તો લોકશાહીને મજબૂત કરનારા જોવા મળ્યા છે. તેવામાં તેમને દેશદ્રોહી સાબિત કરવાની વાતો કરવામાં આવી રહી છે. વાત જાણે એમ છે કે, આ તમામ પત્રકારોના રિપોર્ટ અંતે તો સરકારના ખરાબ કામોને જ દર્શાવે છે. આમ આ પત્રકારોના કારણે જનતા સામે સરકારની સારી-ખરાબ કામગીરીના આંકડાઓ  પહોંચી જઈ રહ્યાં છે.

આ તમામ પત્રકોરા હિન્દૂ-મુસ્લિમ, પાકિસ્તાન જેવા મુદ્દાઓની જગ્યાએ બેરોજગારી, મોંઘવારી, નોકરીઓનું સર્જન, ગરીબી સહિતના લોકોના મુદ્દાઓ ઉઠાવતા રહ્યાં છે. આ તમામ મુદ્દાઓ એવા હોય છે, જે બીજેપીને કેન્દ્રની ગાદી પરથી દૂર કરી શકે છે. સ્વભાવિક છે કે, સરકાર પાસે પાવર છે અને હાલમાં તેનો ઉપયોગ તે ખુબ જ સારી રીતે કરી રહી છે.

આ પણ વાંચો-ચોંકાવનારો ખુલાસોઃ છેલ્લાં સાડા છ વર્ષમાં અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 1736થી વધુ બાળકો અને તરુણો મળી આવ્યા