વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂષણોની ભરમાળ; હપ્તો આપો અને ચલાવો બે નંબરનો ધંધો

અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશન અને ગેરકાયદેસર રીતે પોતાનો ધંધો ચલાવનારા આરોપીઓ વચ્ચે ટ્યુનિક એકદમ સારી રીતે ચાલતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગુજરાત ટાઈમ્સ24એ પોતાના પહેલા રિપોર્ટમાં જણાવ્યું હતુ કે, વેજલપુર વિસ્તારમાં આવેલી બરફની ફેક્ટરી પાછળ નશીમ બાનો નામની મહિલા અંગ્રેજી દારૂનો અડ્ડો ચલાવી રહી છે. વિશ્વસનિય પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આપણે તે રિપોર્ટમાં ટાંક્યુ હતું કે, આ દારૂનો અડ્ડો ચલાવવા દેવા માટે તે વેજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર વિક્રમસિંહ અને સુરેન્દ્રસિંહને પ્રતિદિવસના 40 હજાર રૂપિયાનો હપ્તો આપી રહી છે.

ખેર, તે રિપોર્ટમાં આપણે માત્રને માત્ર નશીમ બાનો દ્વારા ચલાવવામાં આવતા દારૂના ધંધા વિશે માહિતી પ્રસારિત કરી હતી. જોકે, આ સિવાય વેજલપુર વિસ્તારમાં અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમે છે અને તે બધી જ ગુનાહિત પ્રવૃતિઓને ચાલવા દેવા માટે વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી રાજવી રહેમ નજર રાખી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, વેજલપુર વિસ્તારમાં આવતા એકતાના મેદાનમાં જગજાહેર રીતે દારૂ મળી રહે છે. વેજલપુર ગામમાં સટ્ટાનો કારોબાર ધમધમી રહ્યો છે, યુવાનો સહિત અનેક લોકો સટ્ટાના ચૂંગલમાં ફસાઈ રહ્યાં છે. તો એપીએમસી માર્કેટમાં તો દારૂ અને સટ્ટો બંનેનું દૂષણ ચાલી રહ્યું હોવા છતાં પોલીસ આખ આડા કાન કરે તેવું બને નહીં. કેમ કે, એપીએમસી માર્કેટ તો પોલીસ સ્ટેશનને અડીને જ છે. તે છતાં ત્યાં મોટા પાયે દારૂ અને સટ્ટાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ કાળો કારોબાર ચલાવવા દેવા માટે વેજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર વિક્રમ સિંહ અને સુરેન્દ્ર સિંહ વચોટીયાની ભૂમિકા પણ ભજવી રહ્યાં છે.

આ પણ વાંચો-ISRO એ ગગનયાનના મુસાફરોની પસંદગી કરી, વાયુસેનાના ત્રણ જવાન અવકાશયાત્રી બનશે

તે ઉપરાંત વેજલપુર બસ સ્ટેશન પાસે પણ એક ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે. આમ વેજલપુરમાં એક નહીં અનેક ઠેકાણે ગેરકાયદેસર ગોરખ ધંધા પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યાં છે. મહિલા બુટલેગર નશીમ બાનો જ મહિને બાર લાખ રૂપિયાનું ભરણ આપી રહી છે, તે સિવાય તમામ ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવનારા આરોપીઓ લાખો રૂપિયાનું ભરણ વેજલપુર પોલીસ સ્ટેશનને આપી રહ્યાં છે. આમ વેજલપુર પોલીસ સ્ટેશન વર્ષે દડાહે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરીને જનતાને લઈને પોતાની જવાબદારી એળે મૂકી દીધી છે.

પોલીસ કરોડો રૂપિયાનો હપ્તો લઈને સામાન્ય લોકોના જીવનને દોહિલું બનાવી રહી છે. દારૂ-સટ્ટો, ગાંજા વગેરે જેવા નશાના દૂષણને સમાજમાં સામાન્ય બનાવવા માટે જનતાના રક્ષકની ભૂમિકામાં રહેલી પોલીસ જ જનતાની ભક્ષક બનીને તેમને નર્ક સમાન સ્થિતિમાં ધકેલવા માટે બૂટલેગરો સાથે મળી ગઈ છે. હવે બૂટલેગરથી ઓછી ગુનેહગાર પોલીસ પણ નથી. પોલીસ અને આરોપી એક સિક્કાની બે પાંસા સમાન બની ગયા છે. એક સમય હતો, જ્યારે આરોપીઓ પોલીસના નામથી થરથર કાપતા હતા પરંતુ આ વર્તમાન ચિત્ર બદલાતું જોવા મળી રહ્યું છે. પોલીસ આરોપીઓ સાથે હાથ મિલાવીને બે નંબરના ધંધાને પ્રોત્સાહન આપી રહી છે. શું આ પોલીસ જનતાનું રક્ષણ કરીને તેમને ન્યાય અપાવશે, જે પોતે જ અપરાધીઓને છાવરી રહી છે, તે જનતાને ન્યાય અપાવવા સક્ષમ હોય તેવું દેખાઈ રહ્યું નથી. કેમ કે તે પોતે જ હપ્તો લઈને પોતાના હાથ બાંધી રહી છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્ય કાયદા કમિશને પણ પોલીસની કામગીરી અને તેના વલણ પર પ્રશ્ન ઉઠાવ્યા છે, તો ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ ચિંતા યોગ્ય જ છે. કેમ કે વર્તમાન સમયમાં પોલીસ પોતાની ભૂમિકા ભૂલી બેઠી છે. પોલીસ પોતે જ ગેરકાયદેસર ધંધા કરનારાઓના પક્ષમાં જઈને બેસી રહી છે, તેવામાં આરોપી અને પોલીસ બંને સમાજ માટે હાનિકારક બની રહ્યાં છે. પોલીસ પોતે જ જનતા માટે હાનિકારક બની જશે તો પછી જનતાનું કોણ થશે?

આ પણ વાંચો-ક્રિકેટર શિખર ધવનના આયેશા મુખર્જી સાથે છૂટાછેડા, પુત્ર જોરાવરની કસ્ટડી અંગે કોઈ આદેશ નહીં

સમાજમાં ગુનાહિત પ્રવૃતિઓ પ્રતિદિવસ ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. તે પાછળનું કારણ પોલીસ કાયદો અને કાનૂન બનાવી રાખવાની પોતાની ભૂમિકા અને જનતાના રક્ષકની જવાબદારીમાંથી છટકીને આરોપીઓની રક્ષક બની બેઠી છે. દારૂના નશામાં હત્યાઓ સહિતના સમાચાર પ્રતિદિવસ આપણે સમાચારો પત્રોમાં વાંચી રહ્યાં છીએ. તો સટ્ટામાં સર્વસ્વ હારનારાઓ પણ પોતાના જીવનને ટૂંકાવી રહ્યાંના સમાચાર વાંચવા મળે છે.

વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ કે.બી રાજવીએ તેમના પોલીસ સ્ટેશનના હદ્દમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહી કરીને બંધ કરાવવા જોઈએ. આગામી રિપોર્ટમાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્યો આરોપી ક્યા પ્રકારનો બે નંબરના દૂષણનો ધંધો કરે છે અને જનતાને આર્થિક-શારિરીક-સામાજિક સહિત તમામ રીતે પંગુ બનાવી રહ્યો છે, તેના અંગે રિપોર્ટ પ્રકાશિત કરીશું. તે ઉપરાંત આરોપીઓ પોતાનો ધંધો ચલાવવા માટે પોલીસને કેટલો હપ્તો આપે છે તે અંગેના ખુલાસા પણ કરીશું.

આ પણ વાંચો-ગાંધીનગરમાં ઢોર નિયંત્રણનું જાહેરનામું તૈયાર પરંતુ અમલીકરણ માટે સ્ટાફ અને સામગ્રીનો અભાવ