AIMIM ગુજરાત સરકાર સામે કરશે ધરણા; કહ્યું- દંગાખોર બેફામ સરકાર મૂકપ્રેક્ષક

અમદાવાદ: ગુજરાતમાં પાછલા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે. સરકારનો નારો પણ છે કે, સબ કા સાથ સબ કા વિકાસ પરંતુ ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી એવી ઘટનાઓ ઘટી રહી છે, જે બે સમાજ વચ્ચે ખાઇ ખોદી રહી છે.

હાલમાં જ ઘાટલોડીયામાં એક શાળામાં એક કાર્યક્રમ દરમિયાન નમાઝ કેવી રીતે પઢવામાં આવે છે, તે અંગેની થીમ રાખીને તમામ ધર્મના બાળકોને એકબીજાના ધર્મ અંગેની જાણકારી આપવામાં આવી રહી હતી. અન્ય કેટલાક દિવસોમાં પૂજા સહિતની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

આ પણ વાંચો-ખેડામાં જાહેરમાં મારપીટ કેસ: ગુજરાત હાઈકોર્ટે ચાર પોલીસકર્મીઓ સામે ઘડ્યા આરોપ

જોકે, નમાઝ પઢવાની માહિતી અન્ય ધર્મના બાળકોને આપતા જ હિન્દૂ વિશ્વ પરિષદ અને બજરંગ દળ જેવા હિન્દૂ સંગઠનોએ શાળામાં જઈને શિક્ષકને માર માર્યો હતો. તે ઉપરાંત શિક્ષણ વિભાગે પણ તેમના હાંમાં હાં મેળવીને શાળા પાસેથી લેખિતમાં જવાબ માંગ્યો હતો. શાળામાં શિક્ષણ કાર્ય શરૂ હોય તેમાં તમામ ક્ષેત્રોનું જ્ઞાન બાળકોને પિરસવામાં આવે છે. તેવામાં કોઈ ધર્મના નામે શિક્ષકો સાથે મારપીટ કરવામાં આવે તે કેટલું યોગ્ય ગણાય? આ મુદ્દાને લઈને AIMIM ગુજરાત સરકાર રાજ્યમાં બેફામ થઈ રહેલા દંગાખોરો સામે પગલા ભરે તેવી માંગ કરશે.

ભગવાન શ્રીરામના નામે શિક્ષક સાથે કરવામાં આવેલી મારામારીનો વીડિયો જોવા અહીં ક્લિક કરો

આ ઘટનાને લઈને હવે AIMIM તરફથી ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતિહાદ ઉલ મુસ્લિમ (AIMIM) તરફથી કહેવામાં આવ્યું છે કે, 6 ઓગટોબરે સાંજ 04:30 લાલ દરવાજે આવેલા સરદાર બાગે ધરણા આપવામાં આવશે.

મીડિયાને આપેલા આમંત્રણની પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં બગડી રહેલી કાયદા વ્યવસ્થા, બેફામ દંગાખોર અને મૂકપ્રેક્ષક ગુજરાત સરકાર સામે પોતાના બંધારણીય હક્ક મેળવવા માટે AIMIM તરફથી ધરણા કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, શિક્ષકને માર મારનાઓ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્વભાવિક છે કે, કંઇ ખોટું થાય તો તેનો ઉકેલ લાવીને ન્યાય અપાવવા માટે રાજ્યમાં બંધારણ પ્રમાણે કાયદા કાનૂનની સિસ્ટમ ગોઠવેલી છે. પરંતુ હવે લોકો કાયદાને પોતાના હાથમાં લઈને છૂટાહાથની મારામારી કરે છે તે છતાં સરકાર એક પણ શબ્દ ન ઉચ્ચારીને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપી રહી હોવાનો આરોપ અન્ય પક્ષો લગાવી રહ્યાં છે.

આ પણ વાંચો- અમદાવાદથી શરૂ થયેલા વર્લ્ડકપ 2023માં આ વખતે શું નવું છે?