ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે પુરાવા મળ્યા હતા કે તેમના પોર્ટલે અરુણાચલ પ્રદેશ અને કાશ્મીર ભારતનો ભાગ નથી તેવો એજન્ડા ચલાવે છે. આ અંગે દિલ્હી પોલિસી એક નિવેદનમાં જણાવ્યું છે. તેમની ધરપકડ માટેની રિમાન્ડ અરજીમાં દિલ્હી પોલિસે આરોપ લગાવ્યો છે કે તેમની પાસે પ્રબીર પુરકાયસ્થ અને અમેરિકન ટેક મોગલ નેવિલ રોય સિંઘમ વચ્ચે ઈમેઈલ વાતચીતના પુરાવા છે. આમાં બન્ને વચ્ચે ભારતનો નકશો કેવી રીતે બનાવવો તે અંગે ચર્ચા થઈ છે, જેમાં કાશ્મીર અને અરુણાચલ પ્રદેશને વિવાદિત વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.
પ્રબીર પુરકાયસ્થની મંગળવારે ન્યૂઝક્લિકના એચઆર બેડ અમિત ચક્રવર્તી સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ન્યૂઝક્લિક પરિસર અને ન્યૂઝ પોર્ટલ સાથે સંકળાયેલા કેટલાક પત્રકારો અને કર્મચારીઓના ઘરો પર દરોડા પાડ્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીને તે નકશો બનાવવા માટે 115 કરોડ રુપિયાથી વધુનું વિદેશી ભંડોળ મળ્યું હતું. પોલીસે જણાવ્યું કે ન્યૂઝ ક્લિકે 2018થી ગેરકાયદેસર માધ્યમથી કરોડો રુપિયાનું વિદેશી ભંડોળ મેળવ્યું છે. ઉપરાંત દિલ્હી પોલીસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ન્યૂઝક્લિકના શેરહોલ્ડર ગૌતમ નવલખાએ પ્રતિબંધિત નકસલવાદી સંગઠનો સાથે કામ કર્યું હતું અને આઈએસઆઈ એજન્ટ ગુલાબ નબી ફઈ સાથે રાષ્ટ્રવિરોધી સાંઠગાંઠ હતી.
પોલીસે જણાવ્યું કે, આ ભંડોળનો ઉપયોગ ખેડૂતોના વિરોધ દ્વારા જાહેર જીવનને ખલેલ પહોંચાડવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે પણ કરવામાં આવ્યો હતો, પ્રબીર પુરકાયસ્થ 2019ની લોકસભા ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાના ષડયંત્રમાં રોકાયેલા હતા.
પોલીસે જણાવ્યું કે, ન્યૂઝક્લિકે કોવિડ-19 રોગચાળામાં કેન્દ્ર સરકારના પ્રયાસોને બદનામ કરવા માટે ખોટી વાર્તા પણ પ્રકાશિત કરી હતી. આ ખોટી વાર્તાઓ પીપલ્સ ડિસ્પેચ પોર્ટલ દ્વારા ફેલાવવામાં આવી હતી. આ પોર્ટલ ન્યૂઝક્લિકની માલિકીનું છે, જે ગેરદાયદેસર રીતે મેળવેલા વિદેશી ભંડોળનો ઉપયોગ કરીને ચલાવવામાં આવે છે.
દિલ્હી પોલીસે પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીના 15 દિવસના રિમાન્ડની માંગણી કરતા કહ્યું કે તેઓને લગભગ 4.3 લાખ ઈમેઈલની પૂછપરછ કરવાની જરુર છે જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ન્યૂઝક્લિકના કર્મચારીઓ પાસેથી જપ્ત કરાયેલા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી કાઢ્યા હતા.