ગુજરાતના મોટા શહેરો બાદ હવે ગાંધીનગર શહેરમાં રખડતા ઢોર પર નિયંત્રણ માટે મહાનગરપાલિકાએ તૈયાર કરેલી પોલિસીને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી મળી જતા હવે તેને અમલીકરણનો માર્ગ મોકળો બન્યો છે અને શક્ય એટલી ઝડપે નવી પોલિસી ગાંધીનગર શહેરમાં લાગુ કરવાના પ્રયાસ વહીવટી પાંખ દ્વારા થઈ રહ્યા છે.
મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની એક બેઠક બોલાવી હતી, જેમાં પોલિસીના અમલ અને ઢોર પકડવાથી લઈને લાયસન્સ આપવા સહિતની કામગીરી માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જોકે આ પોલિસી હેઠળ કરવાની થતી વિવિધ કામગીરી માટે હજુ સુધી મહાનગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ-સાધનો નથી. તેવા સંજોગોમાં આ પોલિસીનો અશરકારક અમલ કરવા સામે પ્રશ્નો સર્જાયા છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં ઢોર નિયંત્રણ માટેની સીએનસીડી શાખા કાર્યરત છે. જોકે આ શાખા પાસે મર્યાદિત સ્ટાફ છે અને કામગીરી સંભાળી શકે તેમ નથી. અગાઉ આ શાખાની કામગીરી સામે ભ્રષ્ટાચાર મામલે પણ વ્યાપક આક્ષેપ થયા હતા. આથી કોર્પોરેશનને આ શાખા સિવાય વિવિધ બ્રાન્ચની મદદ લેવી પડશે.
એજન્સી તૈયાર નથી તો 24 કલાક કામગીરી કેવી રીતે થઈ શકશે? નવી પોલિસી મુજબ ગાંધીનગર શહેરમાં ઢોર પકડવાની કામગીરી તમામ દિવસ અને 24 કલાક કરવાની થાય છે. ઢોર પકડવાની કામગીરી કરતી હાલની એજન્સીની મુદ્દત પૂરી થઈ ગઈ છે અને તેની મુદ્દત વધારી કામ લેવાય છે. ત્રણ વખત નવું ટેન્ડર બહાર પાડવા છતાં એકપણ એજન્સી આ કામગીરી કરવામાં રસ દાખવતી નથી.