ક્રિકેટર શિખર ધવનના આયેશા મુખર્જી સાથે છૂટાછેડા, પુત્ર જોરાવરની કસ્ટડી અંગે કોઈ આદેશ નહીં

ભારતના સ્ટાર બેટ્સમેન શિખર ધવને તેની પત્ની આયેશાથી છૂટાછેડા લઈ લીધા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે (ફેમિલી કોર્ટ) બુધવારે (4 ઓક્ટોબર) શિખર અને આયેશાના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

બન્ને લાંબા સમયથી અલગ છે. બન્નેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. બન્નેને એક પુત્ર છે, જેનું નામ જોરાવર છે. આયેશા શિખર કરતા 10 વર્ષ મોટી છે. આયેશાના આ બીજા લગ્ન હતા.

કોર્ટે જણાવ્યું હતું કે પત્નીએ શિખરને વર્ષોથી તેના એકમાત્ર પુત્રથી અલગ રહેવા માટે દબાણ કરીને માનસિક પીડા આપી હતી. ફેમિલી કોર્ટના જજ હરીશ કુમારે છૂટાછેડાની અરજીમાં ધવન દ્વારા તેની પત્ની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારી લીધા હતા. કોર્ટે કહ્યું કે પત્નીએ આ આરોપોનો વિરોધ કર્યો નથી અથવા તો પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે પુત્રની કસ્ટડી અંગે કોઈ આદેશ આપ્યો નથી. જોકે કોર્ટે 37 વર્ષીય ધવનને તેના પુત્રને મળવા અને તેની સાથે વિડિયો કોલ પર વાત કરવાનો અધિકાર આપ્યો છે.

આયેશા હાલમાં ઓસ્ટ્રેલિયા રહે છે. તેની પાસે ભારત અને ઓસ્ટ્રેલિયા બન્નેની નાગરિકતા છે. કોર્ટે આયેશાને શૈક્ષણિક કેલેન્ડર દરમિયાન શાળાની રજાઓના ઓછામાં ઓછા અડધા સમયગાળા માટે શિખર ધવન અને તેના પરિવારના સભ્યો સાથે રાત્રિરોકાણ સહિત મુલાકાતના હેતુ માટે બાળકને ભારત લાવવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શિખર ધવને થોડા મહિના પહેલા આયેશા સાથેના છૂટાછેડાને લઈને પોતાનું મૌન તોડ્યું હતું. તેણે કહ્યું હતું કે, હું નિષ્ફળ ગયો કારણ કે જ્યારે કોઈપણ વ્યક્તિ નિર્ણય લે છે ત્યારે અંતિમ નિર્ણય તેનો જ હોય છે. મને બીજાઓ તરફ આંગળી ચીંધવાનું પસંદ નથી. હું નિષ્ફળ ગયો કારણ કે મને તે ક્ષેત્ર વિશે કોઈ જાણ નહોતી. જો તમે મને 20 વર્ષ પહેલા પૂછ્યું હોત કે હું આજે જે ક્રિકેટ વિશે વાત કરી રહ્યો છું, તો મને આ બધી બાબતો વિશે ખબર ન હોત. આ બધું અનુભવની વાત છે.