ISRO એ ગગનયાનના મુસાફરોની પસંદગી કરી, વાયુસેનાના ત્રણ જવાન અવકાશયાત્રી બનશે

ચંદ્રયાન-3, આદિત્ય L-1ની સફળતા બાદ ભારતીય સ્પેસ સંસ્થાન (ISRO) હવે ગગનયાનની તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈસરોએ આ માટે અવકાશયાત્રીઓની પસંદગી પણ કરી છે. જોકે અત્યાર સુધી સ્પેસ એજન્સીએ આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. પરંતુ ભારતીય વાયુસેનાનો એક વિડિયો આ વાતનો સંકેત આપી રહ્યો છે.

91મી વર્ષગાંઠ પર IAF દ્વારા માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક વિડિયો શેર કરાયો છે. 11 મિનિટના આ વિડિયોમાં એરફોર્સની સિદ્ધિઓની ગણતરી કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ વિડિયોમાં ગગનયાન માટે પસંદ કરાયેલા ત્રણ સૈનિકોની ઝલક પણ બતાવવામાં આવી છે. વિડિયોમાં ત્રણેય જવાનો તૈયારી કરતા જોઈ શકાય છે.

જોકે સુરક્ષાને જોતા અવકાશયાત્રીઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઈસરોએ એમ પણ કહ્યું છે કે કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં સ્થિત એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટીમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે. અવકાશયાત્રીઓ માટેના મોડ્યુલમાં શૈક્ષણિક અભ્યાસક્રમો, ગગનયાન ફ્લાઈટ સિસ્ટમ, પેરાબોલિક ફ્લાઈટ્સ દ્વારા માઈક્રો-ગ્રેવિટી પરિચય, એરો-મેડિકલ તાલીમ, પુનર્વસન તાલીમ, ફ્લાઈટ પ્રક્રિયાઓમાં નિપૂણતા અને ક્રૂ તાલીમ સિમ્યુલેટર પર તાલીમનો સમાવેશ થાય છે.

તેમજ એરોમેડિકલ તાલીમ, ઉડાન સંદર્ભે કસરતો અને યોગનો પણ તાલીમના ભાગરુપે સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ઈસરો આ મિશન માટે માનવ સુરક્ષાને સૌથી મહત્ત્વપૂર્ણ માની રહ્યું છે. ભારતીય અંતરિક્ષ સંસ્થાએ કહ્યું કે આ માટે ઘણી આધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.

ગગનયાન ક્યારે ઉડાન ભરશે

શક્ય છે કે વર્ષ 2024માં ગગનયાન મિશન શરુ કરાશે. આ સાથે ભારત અંતરિક્ષમાં માનવ મોકલનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ યાદીમાં અમેરિકા, રશિયા અને ચીન પ્રથમ ત્રણ ક્રમમાં આવે છે. ગગનયાન મિશનની પ્રથમ માનવરહિત ઉડાન ટૂંક સમયમાં એક પ્રયોગ તરીકે શરુ કરવામાં આવશે. ઈસરોએ ત્રણ લોકો માટે અવકાશયાન ડિઝાઈન કર્યું છે. ગગનયાન અવકાશમાં 3 દિવસના મિશન દરમિયાન 400 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવશે.