ખેડામાં જાહેરમાં મારપીટ કેસ: ગુજરાત હાઈકોર્ટે ચાર પોલીસકર્મીઓ સામે ઘડ્યા આરોપ

ખેડા પોલીસ સામે આરોપ ઘડાયા- ગુજરાત ટાઈમ્સ24

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ઓક્ટોબર 2022 માં ખેડા જિલ્લામાં નવરાત્રિની ઉજવણી પર પથ્થરમારો કરવા બદલ કેટલાક લોકોની ધરપકડ કરતા પહેલા જાહેરમાં માર મારવા અને કોર્ટની અવમાનના માટે ચાર પોલીસકર્મીઓ સામે આરોપો ઘડ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં બનેલી ઘટનાના એક વીડિયોમાં સાદા કપડામાં પોલીસકર્મીઓ કેટલાક મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને મારતા હતા અને ભીડ તેમને પ્રોત્સાહન કરી રહી હતી. બાદમાં શંકાસ્પદોને નજીકમાં પાર્ક કરેલી પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા હતા.

બુધવારે જસ્ટિસ એએસ સુપાહિયા અને એમઆર મેંગડેની બેન્ચે જણાવ્યું હતું કે ચાર પોલીસકર્મીઓ – એક ઇન્સ્પેક્ટર, એક સબ-ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ – 4 ઑક્ટોબર, 2022ના રોજ જાહેરમાં લોકોને માર મારવાની ઘટનામાં સામેલ હતા,

કોર્ટે કહ્યું કે આમ કરીને પોલીસકર્મીઓએ 1996ના કેસમાં ડીકે બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્યમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે. જાણવા મળે છે કે આ નિર્ણયમાં કોર્ટે ધરપકડ અને અટકાયત દરમિયાન પોલીસની વર્તણૂક માટે નિયમો નક્કી કર્યા હતા.

આ પણ વાંચો- ઈડીની કામગીરી પારદર્શન અને નિષ્પક્ષ હોવી જોઇએ, પ્રતિશોધની નહીં: સુપ્રીમ કોર્ટ

ખંડપીઠે કહ્યું કે પરિણામે તેને હવે કોર્ટની અવમાનના અધિનિયમ, 1971ની કલમ 2(બી) હેઠળ આરોપોનો સામનો કરવો પડશે.

આ ધારાઓમાં કોર્ટના ચુકાદાઓ, આદેશો અથવા દિશાનિર્દેશોના ઇરાદાપૂર્વક અનાદર સાથે જોડાયેલી છે અને તેમાં કોર્ટને કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓના ઇરાદાપૂર્વક ભંગનો પણ સમાવેશ થાય છે. આ ગુનામાં છ મહિના સુધીની સાદી કેદ અને/અથવા રૂ. 2,000 સુધીના દંડની સજા છે.

હાઈકોર્ટે ચાર આરોપી પોલીસકર્મીઓ – ઈન્સ્પેક્ટર એ.વી. પરમાર, સબ ઈન્સ્પેક્ટર (એસઆઈ) ડીબી કુમાવત, હેડ કોન્સ્ટેબલ કેએલ ડાભી અને કોન્સ્ટેબલ આરઆર ડાભીને 11 ઓક્ટોબર સુધીમાં તેમના બચાવમાં લેખિત નિવેદન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ કેસમાં કુલ 13 પોલીસકર્મીઓ આરોપી હતા. કોર્ટે કહ્યું કે અન્ય નવ પોલીસકર્મીઓ સામે આરોપો ઘડવામાં આવ્યા નથી કારણ કે તેઓ સંડોવાયેલા નથી. ખેડાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM)ના રિપોર્ટ મુજબ આ નવ પોલીસકર્મીઓને કેસમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા.

હાઈકોર્ટે 12 જુલાઈના તેના આદેશમાં કહ્યું હતું કે કાર્યવાહી ચાલુ રાખવા માટે યોગ્ય છે અને ખેડા ખાતેના સીજેએમને રેકોર્ડ પર મૂકવામાં આવેલા વીડિયો અને ફોટોગ્રાફ્સની સામગ્રીની ચકાસણી કર્યા પછી દરેક પ્રતિવાદીની ભૂમિકાના આધારે રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો.

સીજેએમએ 31 જુલાઈના રોજ ચાર પોલીસકર્મીઓની ભૂમિકાનું દસ્તાવેજીકરણ કર્યું હતું.

ગયા વર્ષે પાંચ પીડિતો – જહીરમીયા મલેક (62), મકસુદાબાનુ મલેક (45), સહદમીયા મલેક (23), સકીલમીયા મલેક (24) અને શાહિદરાજા મલેક (25) એ 13 પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ અધિકારીઓએ સર્વોચ્ચ અદાલતના આદેશોનું ઉલ્લંઘન કરીને કોર્ટની અવમાનના કરી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવી રહી છે: રિપોર્ટ