યુક્રેનના એક ગામમાં રશિયન હુમલામાં 51 લોકોના મોત

ઇન્ટરનેશનલ ડેસ્ક: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયન હુમલામાં પૂર્વ યુક્રેનમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. કહેવાય છે કે ગામના એક કાફે પર રશિયન ઈસ્કેન્ડર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો.

હરોઝા ગામની જે તસવીરો સામે આવી છે તે હ્રદયદ્રાવક છે. ખાર્કિવ પ્રદેશના વડા ઓલેહ સિન્યેહુબોવે જણાવ્યું હતું કે તમામ મૃતકો હ્રોઝા ગામના હતા.

2020ની વસ્તી ગણતરી મુજબ અહીં 501 લોકો રહેતા હતા. આ હુમલામાં ગામની 10 ટકા વસ્તીનું મોત નિપજ્યું છે. યુક્રેનના ગૃહમંત્રી લિહોર ક્લિમેન્કોએ એક યુક્રેનિયન ટીવી ચેનલને જણાવ્યું હતું કે જ્યારે ગામ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે 300 લોકો અંતિમ સંસ્કારમાં ભાગ લઈ રહેલા કાફેમાં હાજર હતા.

આ પણ વાંચો-સોશિયલ મીડિયા મેનેમેન્ટથી લઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ સુધી, ચૂંટણી જીતવા નેતાઓ કંપનીઓને સોંપી રહ્યા છે કામો..

સંયુક્ત રાષ્ટ્રસંઘે હ્રોઝા પરના હુમલાને ભયાનક ગણાવ્યો છે. એક નિવેદનમાં યુક્રેન માટે યુએન માનવતાવાદી સંયોજક ડેનિસ બ્રાઉને જણાવ્યું હતું કે નાગરિકો અથવા નાગરિક લક્ષ્યો પરના હુમલાઓ યુદ્ધ અપરાધ છે.

યુક્રેન સરકારનું કહેવું છે કે આ ગામમાં કોઈ સૈન્ય ટાર્ગેટ નહોતું. આ હુમલો ત્યારે થયો જ્યારે ઝેલેન્સકી યુરોપિયન નેતાઓની કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા હતા. આ કોન્ફરન્સમાં EU ફોરેન અફેર્સ ચીફ જોસેપ બોરેલે કહ્યું કે રાજકીય ઉથલપાથલના કારણે અમેરિકા યુક્રેનની સેનાની મદદ કરવામાં અસમર્થ છે.

યુએસ કોંગ્રેસમાં તાજેતરના બજેટ કરારમાં યુક્રેન માટે સહાય ભંડોળનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. બોરેલે કહ્યું કે યુરોપીયન દેશો અમેરિકન મદદના અભાવે સર્જાયેલી શૂન્યાવકાશને ભરી શકતા નથી.

હુમલા પહેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિને થિંક ટેંક, વાલ્ડાઈ ડિસ્કશન ક્લબમાં પુનરોચ્ચાર કર્યો હતો કે ‘આ યુદ્ધ યુક્રેન દ્વારા પશ્ચિમની મદદથી શરૂ કરવામાં આવ્યું હતું અને તેને રોકવા માટે વિશેષ સૈન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.’

આ પણ વાંચો-સિક્કિમમાં પૂરઃ ISROએ 2012માં જ ચેતવણી આપી હતી કે લ્હોનક સરોવરમાં એક ગેપ ખતરનાક સાબિત થશે