શું પોલીસની નિષ્ક્રિયતાના કારણે વધી ઓનલાઈન છેતરપિંડી? વધુ એક વ્યક્તિ સાથે 34 લાખનું ફ્રોડ

ઓનલાઈન છેતરપિંડી

અમદાવાદ: ગુજરાતમાં પ્રતિદિવસ ઓનલાઈન છેતરપિંડી વધી રહી છે. શેરમાર્કેટના નામથી લઈને વિવિધ રીતે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી રહી છે. સાઇબર ક્રાઈમ ડબ્બા ડ્રેટિંગ સહિતના વિવિધ રીતની અનેક ટેકનિકો આરોપીઓ ઉપયોગમાં લઈ રહ્યાં છે. હાલમાં મહેસાણાના વિસનગર-વડનગર અને અમદાવાદમાં પણ આનું ચલણ ખુબ જ પ્રમાણમાં વધ્યું છે. આ પહેલા પણ ગુજરાત ટાઈમ્સ24એ મહેસાણાના સેધાજી-અનિલ સહિતના ઓનલાઈન ઠગાઇ કરનારાઓ વિશે રિપોર્ટ આપ્યા હતા. મીડિયા દ્વારા ઓનલાઈન ઠગાઇ કરનારાઓના નામ સાથે રિપોર્ટ કર્યા હોવા છતાં પોલીસ તેમને નજરઅંદાજ કરવાનું પરિણામ આપણી બધાની સામે છે. આવા આરોપીઓએ વધુ એક વ્યક્તિને 34 લાખ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે.

ટેલીગ્રામની એપ્લીકેશન મારફતે વિવિધ ટાસ્ક પુરા કરવાની સામે નાણાં આપવાનું કહીને અનેક લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ દ્વારા કેડીલા ફાર્માના સિનિયર મેનેજરને ટાર્ગેટ કરીને રૂપિયા 34 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ધોળકા પોલીસ મથકે નોંધવામાં આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા માત્ર એક જ મહિનામાં આ છેતરપિંડી કરી હતી. જે અંગે ધોળકા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ધોળકામાં આવેલા બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્નાપ્રસાદ કાઝા કેડિલા ફાર્મામાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે.

આ પણ વાંચો-ગુજરાત હાઇકોર્ટમાં રેગિંગનું દૂષણ ડામવાના સૂચનો રજૂ કરાયા: રાજ્ય સરકારે સ્વીકાર્યા

ગત 19મી ઓગસ્ટના રોજ તેમને ટેલીગ્રામ એપ્લીકેશન પર મેસેજ આવ્યો હતો કે તમે ઓનલાઇન કામ કરીને દિવસના 1500થી 2000 રૂપિયા કમાવવા ઇચ્છતા હોય તો મેસેજનો રીપ્લે કરજો. જથી કિષ્નાપ્રસાદે વધુ તપાસ કરતા તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને માત્ર ગુગલ રિવ્યુમાં ફાઇવ સ્ટાર આપવાના છે. જેમાં ટાસ્ક પ્રમાણે નાણાં મળશે. જેથી તેમણે આ બાબતે હા કહેતા તેમને ગુગલ રિવ્યુના બે ટાસ્ક સફળ રીતે પુરા કરવાની સામે એક હજાર રૂપિયા આપ્યા હતા.

જે બાદ ક્રિષ્નાપ્રસાદે બીજા ટાસ્ક માટે 11 હજાર રૂપિયા રજીસ્ટ્રેશન ફી જમા કરાવી હતી. જેની સામે સાત હજાર રૂપિયા મળ્યા હતા. આમ, 15 લાખ રૂપિયા સુધીની રકમ લઇ લીધી હતી. જેની સામે ટાસ્ક ફેઇલ થયાનું કહીને ફીના નામે તબક્કાવાર 34 લાખ જેટલી રકમ લઇ લેવામાં આવી હતી. છેવટે કોઇએ ક્રિષ્નાપ્રસાદને આ છેતરપિંડી હોવાનું કહેતા તેમણે ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

મહેસાણાના વિસનગર-વડનગરમાં ડબ્બા ટ્રેડિંગનું દૂષણ

ઉલ્લેખનિય છે કે, જ્યારે મીડિયા મહેનત કરીને ઓનલાઈન છેતરપિંડીઓનું પર્દાફાશ કરે છે તો આગળની કાર્યવાહી કરવાની ફરજ પોલીસની હોય છે, પરંતુ પોલીસ તોડપાણી કરીને આરોપીઓને છાવરવામાં લાગી જાય છે. આજ-કાલ પોલીસે ભરણના નામે હપ્તા લેવાનું શરૂ કર્યા હોવાના કારણે મહેસાણાના વિસનગર-વડનગર સહિતના ગામડાઓમાં ડબ્બા ટ્રેડિંગ ફલ્યૂ-ફૂલ્યું છે. જોકે પ્રશ્ન તે છે કે, વિસનગર-વડનગરમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગને સ્થાનિક પોલીસ નજરઅંદાજ કરી રહી છે, પરંતુ કેમ? તે એક મોટો યક્ષ પ્રશ્ન છે.

સરકાર ચૂંટણી જીતવામાં વ્યસ્ત છે તો પોલીસ હપ્તા લઈને ઓનલાઈન ફ્રોડ કરનારાઓને છાવરી રહી છે. હવે જનતાએ પોલીસ અને સરકારના ભરોસે બેસવાની જગ્યાએ પોતાના અને પોતાના પૈસાની સુરક્ષા પોતે જ કરવાની રહેશે. રાજ્યમાં અંધેરી નગરી ચોપટ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવી સ્થિતિ ઉદ્દભવી રહી છે.

આ પણ વાંચો- જીવલેણ રૂપ ધારણ કરી રહ્યું છે વિશાલાથી સરખેજ વચ્ચેનું ટ્રાફિકજામ