મોંઘવારીને જોતા RBIએ રેપો રેટ 6.5% પર રાખ્યો યથાવત

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક – RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાઈ હતી. રેપો રેટ સતત ચોથી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ બેઠક 4-6 ઓક્ટોબરે યોજાઈ હતી.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, તમામ સંબંધિત પાસાઓ પર વિગતવાર ચર્ચા કર્યા પછી, નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન આરબીઆઈ ગવર્નરે GDP અનુમાનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આરબીઆઈ ગવર્નરે બેંકો અને NBFCને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવવાની સલાહ આપી હતી. તેમણે બેંકોને લોન આપવા માટે તેમના વધારાના ભંડોળનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, અગાઉ આરબીઆઈની એપ્રિલ, જુન અને ઓગસ્ટમાં યોજાયેલ બેઠકમાં પણ રેપો રેટ 6.5 ટકા યથાવત રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- બનાસકાંઠા: અમીરગઢ પાસે રેલવેની ટક્કરથી દાદા-બે પૌત્રીઓના મોત

રેપોરેટ એટલે શું ?

આપણે બેન્કમાંથી લોન લઈએ છીએ. તેના બદલામાં આપણે બેન્કને વ્યાજ ચૂકવીએ છીએ. એ જ રીતે બેન્કે પણ તેની જરૂરિયાત અથવા દૈનિક કામકાજ માટે ઘણી રકમની જરૂર પડે છે. તેના માટે બેન્ક ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે. બેન્ક આ લોન પર રિઝર્વ બેન્કને જે વ્યાજ ચૂકવે છે તેને રેપો રેટ કહે છે.

રેપો રેટની સામાન્ય લોકો પર અસર

બેન્કને રિઝર્વ બેન્કમાંથી ઓછા વ્યાજ પર લોન મળશે તો તેનો ફંડ એકત્ર કરવાનો ખર્ચ ઘટશે. તેના કારણે તે તેના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. તેનો અર્થ એ છે કે રેપો રેટ ઓછો થતાં સામાન્ય ગ્રાહકોની હોમ, કાર અથવા પર્સનલ લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.

રિવર્સ રેપોરેટ એટલે શું

રિવર્સ રેપો રેટ એ રેપોરેટ કરતાં વિપરિત હોય છે. બેન્કોની પાસે આખો દિવસ કામકાજ પછી અનેક વખત મોટી રકમ બાકી રહે છે. બેંક આ રકમ રિઝર્વ બેન્કમાં રાખી શકે છે, જેના પર તેમને વ્યાજ પણ મળે છે. જે દર પર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે.

રિઝર્વ બેન્કને લાગે કે બજારમાં રોકડ વધુ છે તો તે રિવર્સ રેપો રેટમાં વધારો કરી દે છે, જેથી બેંકો વધુ વ્યાજની કમાણી માટે તેમના નાણાં રિઝર્વ બેન્ક પાસે રાખવા પ્રોત્સાહિત થાય અને આ રીતે તેમની પાસે બજારમાં આપવા માટે નાણાં ઓછા બચે છે.

આ પણ વાંચો- ગુજરાત હાઇકોર્ટમાં રેગિંગનું દૂષણ ડામવાના સૂચનો રજૂ કરાયા: રાજ્ય સરકારે સ્વીકાર્યા