છેલ્લા બે દાયકામાં પ્રકાશિત થયેલા ઘણા વૈજ્ઞાનિક સંશોધનો અને અભિયાનોએ સિક્કિમના લ્હોનક તળાવના તૂટવાની ચેતવણી આપી હતી. સરકારી અને બિન સરકારી એજન્સીઓના અભ્યાસોએ પણ ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOFs)માં મોટી સંખ્યામાં મૃત્યુ અને નુકસાનની આગાહી કરી હતી.
2012માં ભારતની અવકાશ એજન્સી ISROએ રિમોટ સેન્સિંગ સેન્ટર સાથે મળીને ચેતવણી આપી હતી કે મોરેન ડેમ દ્વારા રચાયેલા દક્ષિણ લ્હોનક તળાવમાં એક ગેપ ખતરનાક સાબિત થઈ શકે છે.
2016માં સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે NGOની મદદથી તૈયાર કરેલા રિપોર્ટમાં તળાવમાંથી દુર્ધટનાનો ભય વ્યક્ત કર્યો હતો. સરકારી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે જણાવ્યું હતું કે આ પછી સરકારે તળાવમાં પાઈપ લગાવીને નિયંત્રિત રીતે પાણી કાઢવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ તે અપૂરતી હતી.
2021માં એલ્સવીયર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં લ્હોનક તળાવમાં થઈ રહેલા ફેરફારોને ખૂબ જ વિગતવાર સમજાવવામાં આવ્યા હતા, તેમાં જણાવ્યું કે, 1962થી 2008 સુધીના 46 વર્ષમાં દક્ષિણ લ્હોનક ગ્લેશિયલમાં 2 કિલોમીટરનો ઘટાડો થયો છે, જ્યારે 2008થી 2019ની વચ્ચે તેમાં 400 મીટરનો ઘટાડો થયો છે. તેનું તમામ પાણી અને કાટમાળ લ્હોનક તળાવ સુધી પહોંચી ગયું. ડેટાએ સ્પષ્ટ કર્યું કે જીઓએલએફનો ખતરો છે.
બુધવારે લ્હોનક સરોવર પર વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં આવેલા પૂરને કારણે ઉત્તર સિક્કિમમાં ભારે તબાહી મચી ગઈ હતી. રાજ્યમાં પૂરના કારણે 11 પૂલ ધોવાઈ ગયા છે. આમાં એકલા મંગન જિલ્લાના આઠ પૂલોનો સમાવેશ થાય છે. નામચીમાં બે અને ગંગટોકમાં એક પૂલ ધોવાઈ ગયો હતો.
સિક્કિમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે પાક્યોંગમાં 59, ગંગટોકમાંથી 22, મંગનમાંથી 16 અને નામચીમાંથી પાંચ લોકો ગુમ થયા છે. આ દરમિયાન કુલ 26 લોકો ઘાયલ થયા છે.
ઉત્તર સિક્કિમમાં લ્હોનક સરોવર પર વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું, જેના કારણે ચુંગથાંગ ડેમ વહી ગયો.