ગુજરાત હાઇકોર્ટમાં રેગિંગનું દૂષણ ડામવાના સૂચનો રજૂ કરાયા: રાજ્ય સરકારે સ્વીકાર્યા

ગુજરાત હાઇકોર્ટ- ગુજરાત ટાઈમ્સ-24

અમદાવાદા: ગુજરાત રાજયની મેડિકલ કોલેજો સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગના દૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટમાં કોર્ટ સહાયક(એમિકસ કયુરી) તરીકે નિમાયેલા એડવોકેટ અમિત પંચાલ દ્વારા રાજયની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગના દૂષણને નાથવા રાજ્ય સરકાર સહિતના સત્તાવાળાઓને તાકીદના ધોરણે ચોક્કસ માર્ગદર્શિકા અને સર્વગ્રાહી નીતિ ઘડવા બહુ મહત્ત્વની ભલામણ સાથેના સૂચનોનો રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો, જેનો આખરે રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરાયો હતો.

સિવિલ હોસ્પિટલની બી.જે. મેડિકલ કોલેજ, વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠ સહિતની સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓની ગંભીર નોંધ લઇ હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની રિટ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે કોર્ટ સહાયક તરીકે નિમેલા એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, હાલ રાજયમાં આ સમગ્ર મામલે કોઇ ચોક્કસ નીતિ કે માર્ગદર્શિકા નથી, તેથી તેની અમલવારી કરાવવામાં આવે.

આ પણ વાંચો-‘ક્યાં છે પુરાવા?’ સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે પૂછ્યા પ્રશ્ન

રાજ્યની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જુનિયર વિદ્યાર્થીઓ અને સિનિયર વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ અને મિત્રપૂર્ણ વ્યવહારનું વાતાવરણ જળવાઇ રહે તે માટે સંસ્થાઓએ સમયાંતરે સેમિનાર, શિબિર, કાર્યક્રમો યોજી આ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવા જોઇએ અને રેગિંગના દૂષણને જડમૂળથી ખતમ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.

આ દરમિયાન આ કેસમાં રાજય સરકારની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા સોગંદનામું રજૂ કરી જણાવાયું હતું કે, કોર્ટ સહાયક દ્વારા જે સૂચનો કરાયા હતા, તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને હાલની ગાઇડલાઇન્સ ઉપરાંત 25મી સપ્ટેમ્બરે એક વધારાનો સરક્યુલર પણ જારી કરાયો છે. જેમાં જે નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તેમના અને તેમના સિનિયરો સાથેના સારા અને સંતુલિત સંબંધો જળવાઇ રહે તે માટે વર્કશોપનું સમયાંતરે આયોજન કરાશે.

આ પણ વાંચો-બનાસકાંઠા: અમીરગઢ પાસે રેલવેની ટક્કરથી દાદા-બે પૌત્રીઓના મોત