જીવલેણ રૂપ ધારણ કરી રહ્યું છે વિશાલાથી સરખેજ વચ્ચેનું ટ્રાફિકજામ

વિશાલા-સરખેજ ટ્રાફિક

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે મંજુર કરવામાં આવતા વાર્ષિક અંદાજપત્રમાં શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિકની ગીચતાને નિયંત્રિત કરવા કરોડો રૂપિયાના ખર્ચથી ફલાય ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવામાં આવી રહ્યાં છે.

ગુજરાત સરકારની દેખરેખ હેઠળ અમદાવાદના અનેક વિસ્તારોની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. જેમ કે, ઉજાલાથી-અડાલજ સુધીના એસજી હાઇવે પર ફ્લાય ઓવર બ્રિજ બાંધીને ટ્રાફિકથી લોકોને છૂટકારો અપાવી દીધો છે. તેમ જ રિંગરોડના કારણે પણ ટ્રાફિકની સમસ્યા મહદ અંશે દૂર થઈ છે.

જે નેશનલ હાઇવે એન-એચ 47 હેઠળ આવે છે. અહીં પ્રતિદિવસ હજારોની સંખ્યામાં ગુજરાતભરથી આવતી ગાડીઓ પસાર થાય છે, તો સ્થાનિકોની અવરજવર બનેલી જ રહે છે. ઉલ્લેખનિય છે કે, વિશાલા-જૂહાપુરા અને સરખેઝમાં જ લાખોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે. પોતાના ઘરથી કામકાજ અર્થે તેઓ બહાર નિકળતા રહે છે.

વિશાલા-જૂહાપુરા અને સરખેજમાં થઇને પસાર થતો હાઇવે 1080 કિમી લાંબો છે. જે સરખેજથી શરૂ તઈને લિંબડી, અમદાવાદ, ગોધરા, દાહોદ થઈને મધ્ય પ્રદેશના ઝાંબૂઆમાં મળે છે. અહીંથી તે મધ્ય પ્રદેશમાં ધાર, ઇન્દોર, બૈતુલ, શિવનેર થઇને મહારાષ્ટની બોર્ડરે આવેલા નાગપુર નજીક સમાપ્ત થાય છે.

આ પણ વાંચો-ગુજરાત હાઇકોર્ટમાં રેગિંગનું દૂષણ ડામવાના સૂચનો રજૂ કરાયા: રાજ્ય સરકારે સ્વીકાર્યા

નેશનલ હાઇવે ગીચ વસ્તી ધરાવતા એક મસમોટા એવા સરખેજ-જૂહાપુરા વિસ્તારમાં થઈને પસાર થઈ રહ્યો છે અને ત્યાં ન તો ટ્રાફિક સિગનલ લગાવવામાં આવ્યા છે ન તો ટ્રાફિક પોલીસના જવાનોને મૂકવામાં આવ્યા છે. માત્ર વિશાલા પાસેનું સિગનલ સારી રીતે કામ કરે છે. તે પછી જૂહાપુરામાં એન્ટ્રી થતાં વાહન ચાલક સરખેજ વિસ્તારથી કેટલા સમયમાં બહાર નિકળશે, તે તો રામ જ જાણે.

જીવલેણ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે માત્રને માત્ર બેથી ત્રણ ટીઆરબી જવાનોને મૂકેલા હોય છે. જેઓ પોતાની બધી જ શક્તિથી કામ કરતાં હોય છે પરંતુ અંતે તો તેઓ પણ નિષ્ફળ જ રહે છે. કેમ કે આ વિસ્તારમાં થતાં ટ્રાફિકને એકલ-દોકલ વ્યક્તિથી હેન્ડલ થાય તેવું નથી.

આ વિસ્તારમાં તેની કેપિસિટી કરતાં પણ લોકો રહી રહ્યાં છે. રિક્ષા-ટૂવ્હિક્લ સહિતના અન્ય સાધનોની પણ સંખ્યામાં ખુબ જ મોટા ઉછાળો આવ્યો છે. તો એક બાબત તેવી પણ છે કે, રોડની સાઇડમાં બનેલી ચિકનની વિવિધ દુકાનોના કારણે પણ અનેક વખત ટ્રાફિક થઇ જતો હોય છે, કેમ કે આ તમામ દુકાનવાળાઓ પાસે પાર્કિંગની વ્યવસ્થા નથી. તો અમદાવાદભરમાંથી ચિકનની મેજબાની કરવાં લોકો આવતા હોય છે, તેવામાં ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે. આમ પણ વિસ્તાર પ્રતિદિવસ સાંકડો થઇ રહ્યો છે. તેવામાં સરકારે ટ્રાફિક થવાનું કારણ શોધીને તેના માટે સિગનલ સહિતની કામગીરી કરવી પડશે તો જ ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળશે.

વર્ષોથી મુસ્લિમ નેતાઓ પણ વિશાલા-સરખેજ વિસ્તારમાં લાગતા ટ્રાફિકજામ મુદ્દે નિવેદન આપી ચૂક્યા છે. તેઓ અહીં ફ્લાઇઓવર બનાવવાની પણ માંગ કરી ચૂક્યા છે. પરંતુ સરકાર તરફથી કોઈ જ પ્રતિક્રિયા મળી નથી.

આ નેશનલ હાઇવે હોવાના કારણે લાખોની સંખ્યામાં પ્રતિદિવસ વાહન ચાલકો અવર-જવર કરે છે. વીએસ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોના કારણે ઇમરજન્સી સેવાવાળી એમ્બ્યૂલન્સ પણ મોટી સંખ્યામાં પસાર થાય છે. જોકે, દુ:ખદ વાત તે છે કે, આ એમ્બ્યૂલન્સ પણ ટ્રાફિકમાં ફસાઇ જાય છે. હવે વિચારો કે એમ્બ્યૂલન્સ જ ટ્રાફિકમાં ફસાઇ જતી હોય તો અન્ય પ્રાઇવેટ સાધનમાં કોઈ ઇમરજન્સી સ્થિતિમાં ક્યાંય હોસ્પિટલમાં જવાનું થયું તો તેવા સમયે વ્યક્તિનું જીવ બચી શકશે ખરો?

ગુજરાતની સરકાર માત્રને માત્ર ચૂંટણી જીતવાના મોડમાં રહે છે. તેમને લોકોના જીવની ચિંતા હોય તેવું દેખાઈ રહ્યું નથી. જો તેમને લોકોના જીવનની ચિંતા હોત તો તેઓ વર્ષોથી રહેલી ટ્રાફિકની સમસ્યાને એક ચૂટકીમાં ખત્મ કરી દીધી હોત. જે સરકાર ગંદકીમાંથી રિવરફ્રન્ટ જેવું સોનું બનાવીને પૈસા રળી શકતી હોય તેના માટે એક વિસ્તારની ટ્રાફિકને ખત્મ કરવી કોઈ મોટી વાત નથી.

હવે તો આ બે કિલોમીટરનો પટ્ટો પ્રતિદિવસ જીવલેણ બનતો જઈ રહ્યો છે. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે, તો ટ્રાફિકના કારણે સ્વાસ્થ્યની ઈમરજન્સીવાળા લોકો પોતાના નિયત જગ્યાએ પહોંચી શકી રહ્યાં નથી. વર્ષોથી રહેલી સમસ્યાનો ઉકેલ ન લાવતા સરકાર ઉપર પ્રશ્ન ઉભા થઇ રહ્યાં છે.

અમદાવાદમાં આવેલા સૌથી મોટા વિસ્તારોની સમસ્યાને દૂર કરવામાં કદાચ સરકારના પેટમાં દુ:ખાવો કેમ ઉપડી શકે છે તે એક પ્રશ્ન છે. આ ટ્રાફિકની સમસ્યાથી આખા અમદાવાદ સહિત રાજ્યભરના લોકો હેરાન થઈ રહ્યાં છે. ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે અમદાવાદના એક મહત્વપૂર્ણ વિસ્તારમાં રહેલી ટ્રાફિકની જીવલેણ બની રહેલી સમસ્યાને નજરઅંદાજ કરવી જોઈએ નહીં. તો નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે પણ વિશાલા-સરખેજને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે તેવા પગલા ભરવા રહ્યાં.  અમદાવાદના પોલીસ કમિશ્નર બનતાની સાથે જ જીએસ મલિક ટ્રાફિકને કંટ્રોલ કરવાની વાત કરી ચૂક્યા છે. 

આ પણ વાંચો-ગુજરાત હાઇકોર્ટમાં રેગિંગનું દૂષણ ડામવાના સૂચનો રજૂ કરાયા: રાજ્ય સરકારે સ્વીકાર્યા