ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં 198 લોકોના મોતના અહેવાલ; 1600 લોકો ઇજાગ્રસ્ત

ઇન્ટરનેશનલ ડેસ્ક: ઈઝરાયલ પર 5000થી વધુ રોકેટ ઝિંકાયા બાદ ગુસ્સે થયેલા ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં ( હમાસ) આવેલા આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યાં હતાં. હમાસ નામના આતંકી સંગઠનને ટાર્ગેટ કરતાં ઈઝરાયલ દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેમાં મોટાપાયે જાનહાનિ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે.

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગાઝા પટ્ટી પર ઈઝરાયલની વળતી કાર્યવાહીમાં કુલ 198થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે 1610થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. ઈઝરાયલ દ્વારા વિનાશક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીજી બાજુ હમાસના હુમલાથી અકળાયેલા ઈઝરાયલે તેના નાગરિકોને સાવચેત રહેવા અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અફવાઓ ન ફેલાવવા આગ્રહ કર્યો હતો. ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલય તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જારી નિવેદનમાં જણાવાયું હતું કે શત્રુ દેશની કોઈ મદદ ના કરે.

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ભડકી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે પોતે ટ્વિટ કરીને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિમાં છે તેવી જાહેરાત કરી દીધી છે.

આ દરમિયાન મોટા અહેવાલ એવા મળી રહ્યા છે કે હમાસ દ્વારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં કુલ 40થી વધુ ઈઝરાયલી નાગરિકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોની સંખ્યા 500ને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા એટલા ભયાનક હતા કે તેના વિવિધ શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-નર્મદા: સેલંબા ખાતે થયેલા કોમી તોફાનમાં ભોગ બનનારના ભાઈ પર થયો તીક્ષ્ણ હથિયારથી હુમલો