સિક્કિમમાં આવેલા પૂરમાં 56 લોકોના મોત; 142 લોકો ગુમ

સિક્કિમમાં પૂર- ગુજરાત ટાઈમ્સ24

સિક્કિમમાં પૂર: સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ તિસ્તા નદીમાં અચાનક ભયાનક પૂર આવ્યું હતું જેના કારણે તબાહી સર્જાઈ હતી. પૂરના કારણે અત્યાર સુધીમાં સાત સૈન્ય જવાનો સહિત 56 લોકોના મોત થયા છે. 142 લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે, બચાવ કામગીરી ચાલી રહી છે. NDRF, SDRF અને એરફોર્સના હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં લાગેલા છે. કેન્દ્ર સરકારે આપત્તિ સહાય તરીકે રૂપિયા 45 કરોડ આપવાની જાહેરાત કરી છે.

ગઈકાલે આવેલા વિનાશક પૂરમાં સેનાના 22 જવાનો સહિત 142 લોકો હજુ પણ લાપતા છે તેમજ 26 લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે અને NDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે.

પૂરના કારણે નેશનલ હાઈવે 10 પણ ધોવાઈ ગયો છે તેમજ તિસ્તા નદીના જળસ્તરમાં 15થી 20 ફૂટનો વધારો થયો છે. સિક્કિમમાં આવેલા પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને આ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 હજારથી પણ વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે જેમાં પર્યટકનો પણ સમાવેશ થાય છે.

સિક્કિમના સૌથી મોટા ડેમ તીસ્તા 3ના વિનાશના દૃશ્યો સામે આવ્યા છે. આ સર્વનાશ પાછળ પૂરના નિરીક્ષણ માટેની સિસ્ટમ ની નિષ્ફળતા પણ જવાબદાર દેખાશે. ભયાનક પૂરના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે 60 ફૂટ ઊંચાઈ ધરાવતો આ તીસ્તા 3 ડેમ ધોવાઈ જાય છે. આ ડેમની 1200 મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા હતી અને તે રાજ્યનો સૌથી મોટો ડેમ હતો. આ ડેમનું નિર્માણ 2008માં શરૂ થયું હતું અને 2017માં તેનું કામ પૂરું થયું. તેની પાછળ 14000 કરોડનો ખર્ચ કરાયો હતો.

જોકે સિક્કિમમાં આભ ફાટવાને કારણે આવેલા ભીષણ પૂર માં ચુંગથાંગ ડેમના તૂટવા માટે રાજ્યની પૂર્વ સરકારને જવાબદાર ઠેરવાઈ રહી છે. સીએમ પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે ચુંગથાંગ ડેમ તૂટવાનું કારણ અગાઉની રાજ્ય સરકાર દ્વારા કરાયેલું ઘટિયા નિર્માણ જવાબદાર છે. સિક્કિમના સીએમએ આ ત્રાસદી માટે પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકારના વાહિયાત નિર્માણ કાર્યને જવાબદાર ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પવન ચામલિંગ સિક્કિમમાં 24 વર્ષમાં વધુ સમય સુધી સત્તામાં રહ્યા હતા.

આ પણ વાંચો-ગાંજાનું વાવેતર કરીને વેચતા આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષ કેદની સજા