ઘાટલોડિયા: કેલોરેક્સ શાળાના શિક્ષકને માર મારનારાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદઃ શહેરના ઘાટલોડીયાની કેલોરેકસ સ્કૂલ દ્વારા ઇદના તહેવાર નિમિત્તે સ્કૂલમાં બાળકોને નમાજ અંગેની સમજણ આપવામાં આવી હતી. જે મામલે હિન્દુ સંગઠનોએ સ્કૂલમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. આ અંગે ગાંધીનગર સુધી નોંધ લેવાઈ હતી અને જિલ્લા શિક્ષણાધિકારીએ કોઈ જ તપાસ કર્યા વગર જ  સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો હતો. તે ઉપરાંત શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપી દીધો હતો.

આ સ્કૂલમાં કેટલાક લોકોએ કાયદાને પોતાના હાથમાં લઈને સંગીત શિક્ષકને માર માર્યો હતો જેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ શિક્ષકને માર મારનાર સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં શિક્ષકને માર મારવા અંગે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મણીભાઇ ઘેમરભાઇએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ઘાટલોડિયામાં કેલોરેક્ષ ફ્યુચર સ્કૂલમાં વર્ષ દરમ્યાન આવતા તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ સ્કૂલમાં આરટીઈ હેઠળ મોહંમદ ઇબ્રાહિમ શેખ નામના મુસ્લિમ બાળકનું એડમીશન થયેલું છે અને હાલ તે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.

ગત 28 સપ્ટેમ્બરે ઈદનો તહેવાર હોવાથી આ બાળક દ્વારા ક્લાસના અન્ય બાળકોને દોઢેક મિનિટનો નમાજ પઢવાનો ડેમો આપવામાં આવ્યો હતો. આ બાળકની પાછળ અન્ય ચાર બાળકો ઉભા હતાં. આ વીડિયો સ્કૂલના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં તે સમયે સ્કૂલના મ્યુઝીક શિક્ષક તરીકે મૌલિક પાઠક પણ દેખાતા હતા.

આ પણ વાંચો-હરાયા ઢોરના ત્રાસની ફરિયાદ કરવા હેલ્પલાઈન નંબર કરાયા જાહેર

સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ત્રીજી ઓક્ટોબરે સ્કૂલમાં કેટલાક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્કૂલમા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ પહોંચી ગયા હતાં.

આ દરમ્યાન ત્યાં બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે સ્કુલના મ્યુઝીક શિક્ષક મૌલિક પાઠક સ્કૂલના ઉપરના માળેથી નીચે ઉતરી રહ્યા હતા તે વખતે સ્કુલની બહાર ઉભેલ માણસો પૈકી ત્રણ માણસોએ મૌલિક પાઠકને ઓળખી જતાં જોર જોરથી શ્રીરામના નારા લગાવીને તેમને માર મારવા લાગ્યા હતા.

આ ઇસમો પૈકી એક મૌલીક પાઠક મુક્કા, ગાલ પર તથા માથાના ભાગમાં માર મારવા લાગ્યો હતો. તેવી જ રીતે અન્ય એક વ્યક્તિ મુક્કાઓતી મોઢાના ભાગે માર મારવા લાગ્યો હતો. જ્યારે ત્રીજો શખ્સ મૌલિકભાઇના શર્ટનો કોલર પકડી માર મારવા તેમને ખેંચીને દુર લઇ જવા લાગ્યો હતો.

આ ત્રણેય ઇસમો મૌલિકભાઈને માર મારતા હતા તે દરમિયાન પોલીસ તથા શાળા સ્ટાફના માણસોએ મૌલિકભાઇને છોડાવી સલામત જગ્યાએ લઇ ગયા હતાં. મ્યુઝિક શિક્ષક મૌલિક પાઠકને માર મારનાર આ ત્રણેય ઈસમો બાબતે તપાસ કરતાં ઉમંગ મોજીદ્રા, મહર્ષ સેવક અને દિપભાઇ દેસાઇ તરીકેની ઓળખ થઈ છે.

આ ત્રણેય જણાએ સ્કૂલના વાયરલ થયેલા વીડિયોની અદાવત રાખીને સ્કૂલના કંમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને શાળાના શિક્ષક મૌલિક પાઠકને ગંદી ગાળો બોલીને ઢોર માર મારવા બદલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, ચાંદની ઝાલા નામના એક વાલીએ સોશિયલ મીડિયા પર પોતાનો મત રજૂ કર્યો હતો કે, શાળામાં બાળકોને એકબીજાનો સપોર્ટ કરવાનું અને એકબીજાના ધર્મ વિશે જાણવાનું શીખવવામાં આવે તેમાં કશું જ ખોટું નથી. જો સ્કૂલમાં કોઈ ધર્મ વિશે માહિતી આપવામાં આવે કે તેમની પ્રાર્થના કે નમાઝ વિશે માહિતી આપવામાં આવે તો તેને બાળકોને તેનાથી શીખવા મળી રહ્યું છે એ રીતે જ જોવું જોઈએ.

આ પણ વાંચો- ભારત સરકારને ધમકી; કાલે નરેન્દ્ર મોદી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દઈશું

તેમની આ પોસ્ટ પછી સોશિયલ મીડિયામાં આ મુદ્દે ફરીથી વ્યાપક ચર્ચા થઈ રહી છે કે સ્કૂલમાં આવી ઘટના બને તે યોગ્ય છે કે નહીં.

આ અંગે બીબીસી દ્વારા ચાંદની ઝાલાને પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે, તેમણે કહ્યું હતું કે, “હું એક વાલી તરીકે માનું છું કે શાળામાં બાળકોને નમાજ પઢાવવામાં આવી ન હતી. વીડિયોમાં જે બાળક નમાજ પઢી રહ્યો છે, તે બાળક મુસ્લિમ છે અને તેણે કરેલી આ પ્રેયરમાં બીજાં બાળકો જોડાયાં હતાં. આ બાળક દોઢ વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યું છે. આ શાળામાં આ એક જ મુસ્લિમ બાળક છે. એ તો કાયમ હિન્દુઓની પ્રાર્થના સાંભળે છે. તેનાથી તેને કે તેના પરિવારને ક્યારેય કોઈ તકલીફ થઈ નથી. શાળામાં એક દિવસ માત્ર નમાજ વિશે વાત કરવાથી કેવી રીતે કોઈ ધર્મ પરિવર્તન કરાવી શકે.”

ચાંદની બેને બીબીસીને જણાવ્યું હતું કે,  “આ કાર્યક્રમ પૂરો થયા પછી અન્ય બાળકો તાળીઓ અને કિલકારીઓ પાડી રહ્યાં છે. આ બધા પહેલા ધોરણથી ત્રીજા ધોરણનાં બાળકો છે. બધાં ખુશ છે. એમના માટે તો એમના મિત્રોએ કંઈક કર્યું છે જેને એમણે વધાવ્યું હતું. બધાં સાથે હળીમળીને રહેવાનું અને એકબીજાને સપોર્ટ કરવાનું શીખી રહ્યાં છે. શાળામાં આપણે આ શીખવા તો જઈએ છીએ.”

જણાવી દઇએ કે, બીબીસી દ્વારા આવી ઘટનાઓની નાના બાળકોના મન પર કેવી અસર થાય છે તે અંગે મનોચિકિત્સક ડો. શાર્દૂલ સોલંકી સાથે પણ વાત કરી હતી.

આ પણ વાંચો-લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં 27 ઓક્ટોબરથી શરૂ થશે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

આ અંગે શાર્દૂલ સોલંકીએ બીબીસીના રિપોર્ટરને જણાવતા કહ્યું હતું કે, “નાનાં બાળકો માટે આ પ્રકારની ઘટના ખૂબ જ ડિસ્ટર્બિંગ હોય છે. કોઈ એક ધર્મની પ્રવૃત્તિને ખરાબ રીતે જોવામાં આવે તો તે ધર્મના બાળકના માનસપટલ પર તેની ખૂબ જ ખરાબ અસર થાય છે. તેના મનમાં વિચાર આવે છે કે હું જે ધર્મને અનુસરું છું તેને સારી રીતે જોવામાં આવતો નથી.”

“કોઈ એક રિલિજિયસ ઍક્ટને ખરાબ રીતે જોવો અને કોઈ બીજા રિલિજિયસ ઍક્ટને ઉચ્ચ નજરે જોવો એ બાળકોના મગજ પર એક અસર છોડે છે. આ પ્રકારની ઘટનાઓથી બાળકોના મનમાં લાંબા સમય માટે પૂર્વગ્રહ રહી જાય છે. તેમજ બાળકો બે સમૂહમાં વહેંચાઈ જાય છે. આ પ્રકારની વાતોને કારણે બાળકો કોઈ સમાજને અલગ પ્રકારના કપડાં કે ટોપી જેવાં લક્ષણોથી અલગ રીતે જોવાની કોશિશ કરે છે. આ પ્રકારની ઘટનાઓથી હિન્દુ બાળકો અને મુસ્લિમ બાળકોમાં એકબીજા માટે પૂર્વગ્રહ ઊભો થાય છે અને તે પૂર્વગ્રહ લાંબા સમય સુધી રહી જાય છે.”

તેઓ વધુ સમજાવતાં કહે છે, “આ પ્રકારની ઘટનાઓથી બાળકો ડરી જાય છે. નાનાં બાળકો સાથે થતાં ભેદભાવના કારણે તેમની માનસિક સ્થિતિ પર થતી અસરો અંગે ઘણાં સંશોધનો કરવામાં આવ્યાં છે. આ સંશોધનોમાં જે તારણો બહાર આવ્યાં છે તે કહે છે કે બાળકો સાથે થતા ખરાબ વર્તન કે ભેદભાવને કારણે બાળકોને ડિપ્રેશન થવાની સંભાવના વધી જાય છે. જે બાળકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવામાં આવે તે બાળકોના આત્મવિશ્વાસમાં વધારો જોવા મળે છે.”

તે ઉપરાંત સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ્ ગૌરાંગ જાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, “શાળાઓમાં બાળકોની ફૅન્સી ડ્રેસ કૉમ્પિટિશન રાખવામાં આવે છે, જેમાં કોઇ બાળક ડૉક્ટર, એન્જિનિયર, નેતા કે કોઈ ધર્મના પરિવેશમાં આવે છે. તેના કારણે બાળકો અલગઅલગ કિરદારથી માહિતગાર થાય છે. શાળામાં નમાજ અંગે વાત કરવી એ આપણા પડોશી અંગે વાત કરવા જેટલી જ સહજ વાત છે.”

સ્વભાવિક વાત છે કે, કોઈ વ્યક્તિ કંઇ ખોટું કરી રહ્યું છે તો તેને સજા આપવા માટે સિસ્ટમ ગોઠવેલી છે. ભગવાન રામનું નામ લઈને તમે કોઈપણ અપરાધ કરીને છટકી શકો નહીં અથવા તમે અપરાધ કરી શકો નહીં. આ કેસમાં પણ હિન્દૂત્વના નામે અને ભગવાન રામના નામે કાયદાના હાથમાં લઈને છટકવાની વાત હતી. પરંતુ સમાજ સારા-નરસાનું ભેદ જાણે છે. સમાજ જાણે છે કે, નફરત ફેલાવીને બે ધર્મોના સમુદાયો વચ્ચે ખાઇ ખોદવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આવા ગણ્યા ગાંઠ્યા લોકો છે, જેઓ સમાજને વહેંચવાનું કામ કરી રહ્યાં છે. ન હિન્દૂ ધર્મ નફરત શિખવે છે કે ન અન્ય ધર્મ માનવીઓ વચ્ચે નફરત કરવાની શિખામણ આપે છે. માનવતા જ છે જે જીવનને સરળ રીતે ચલાવી રહી છે, પરંતુ વર્તમાનમાં રાજકીય લાભ ઉઠાવવા માટે ધર્મના ઠેકેદાર બની બેઠેલા ધૂતારાઓ સમાજમાં અરાજકતા ફેલાવી રહ્યાં છે.

આ પણ વાંચો- ગુજરાત સરકારનો રાજપીપળાના ખેડુતો સાથે હળહળતો અન્યાય; ભાજપ કિસાન મોર્ચો આવ્યો મેદાનમાં