ગુજરાત સરકારનો રાજપીપળાના ખેડુતો સાથે હળહળતો અન્યાય; ભાજપ કિસાન મોર્ચો આવ્યો મેદાનમાં

  • અધિકારીઓએ માત્ર રોડની આજુબાજુના ખેતરોનો જ સર્વે કર્યો, નદી કાંઠે જે ખેતરોને મોટા પાયે નુકસાન થયેલ છે તે વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો ન હોવાની ખેડુતોમાં ફરીયાદ
  • રાજપીપળાના ખેડુતોને આર્થિક સહાયનો લાભ અપાવવા માંથી બાકાત રાખવામાં આવ્યો હોવાનો ખેડુતોનો આક્ષેપ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમ માંથી છોડવામાં આવેલાં વધુ પાણીથી નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં પુરની સ્થિતિ સર્જાતા ખેડુતોનો ઉભો પાક નષ્ટ થઈ જતાં કરોડો રૂપિયાનુ નુકશાન થયું છે. ગુજરાત સરકારને નુકશાનીનો સર્વે તો કર્યો પરંતું આ સર્વેની કામગીરીમાં રાજપીપળાના ખેડુતો સાથે અન્યાય થયો હોવાનુ સામે આવ્યું છે. અધિકારીઓએ માત્ર રોડની આજુબાજુના ખેતરોનો જ સર્વે કર્યો જ્યારે ખરેખર નદી કાંઠે જે ખેતરોને મોટા પાયે નુકસાન થયેલ છે તે વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો ન હોવાની ખેડુતોમાં ફરીયાદ ઉઠી છે. આ બાબતે રાજપીપળા શહેર ભાજપ કિસાન મોર્ચો મેદાનમાં આવ્યો છે.

રાજપીપલા શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ દિક્ષીત પટેલની આગેવાનીમાં ખેડુતોએ નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને રજુઆત કરતા જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમ માંથી છોડવામાં આવેલ વધુ પડતા પાણીના કારણે કેળ તથા શાકભાજીના પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. સરકાર દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવેલો પરંતુ તે સર્વે માત્ર રોડની આજુબાજુના ખેતરોનો જ કરવામાં આવેલો છે. ખરેખર નદી કાંઠે જે ખેતરોને મોટા પાયે નુકસાન થયેલ છે તે વિસ્તારમાં સર્વે કરવામાં આવેલ નથી.જેના કારણે રાજપીપળાના ખેડુતોને આર્થિક સહાયનો લાભ અપાવવા માંથી બાકાત રાખેલ છે.

જેથી રાજપીપળાના ખેડૂતોને ખરેખર નુકસાન થયેલ છે તેઓને સાથે રાખી રી-સર્વે કરાવી નુકસાનનો ભોગ બનનાર ખેડૂતોને આર્થિક સહાય અપાવવા આવે. ખડૂતોનો જીવન નિર્વાહ ચલાવવાનો એક માત્ર આધાર અમારી ખેતી જ છે જો અમને સહાય આપવામાં નહીં આવે તો અમારા કુટુંબના સભ્યોને ભુખે મરવાનો વારો આવશે. ખેડુતોના હીતમાં યોગ્ય નિર્ણય લઈ સરકાર તરફથી આર્થિક સહાય આપવા યોગ્ય કાર્યવાહી કરવા વિનંતિ છે.

આ પણ વાંચો-હરાયા ઢોરના ત્રાસની ફરિયાદ કરવા હેલ્પલાઈન નંબર કરાયા જાહેર