હરાયા ઢોરના ત્રાસની ફરિયાદ કરવા હેલ્પલાઈન નંબર કરાયા જાહેર

ગાંધીનગર: અમદાવાદ શહેર સહિત રાજયના તમામ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને તમામ 157 નગરપાલિકાઓને રખડતા ઢોરનો ત્રાસ અટકાવા અને નિયંત્રણ માર્ગદર્શિકા-2023ની અમલવારી માટે રાજય સરકાર દ્વારા કડક નિર્દેશો જારી કરી દેવાયા છે. સરકારે આ અમલવારી માટે કોર્પોરેશનો અને નગરપાલિકાના સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અને જો અમલવારીમાં ચૂક થાય તો તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ કડક તાકીદ કરી છે.

રાજ્યના કેટલાક મોટા શહેરો જેવા કે મહેસાણા-પાલનપુર-ડીસા-પાટણ-સિદ્ધપુર સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં પણ હારાય ઢોરની સમસ્યાએ માંજા મૂકેલી છે, તો સરકારે તેમના અંગે પણ વિચારીને લાગતી-વળગતી પાલિકાઓને તે અંગેના સૂચનો આપવા રહ્યાં. 

આ સિવાય રખડતા ઢોરોના ત્રાસની સમસ્યા માટે સરકાર દ્વારા અમદાવાદ સહિત તમામ કોર્પોરેશન વિસ્તાર માટે ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરાયા છે. રાજય સરકારે મહત્ત્વના સોગંદનામા મારફ્તે રખડતા ઢોરોના ત્રાસની સમસ્યાના નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાના શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ પ્લાનની રૂપરેખા પણ જણાવી હતી.

રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી રિટ અરજીમાં હાઇકોર્ટે સરકારનો જવાબ માંગ્યો હતો, જેના અનુસધાનમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિની કુમાર દ્વારા સોગંદનામું રજૂ કરી જણાવાયું હતું કે, રખડતા ઢોરોના ત્રાસની સમસ્યાના નિવારણ માટે અમદાવાદ શહેર તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને તમામ 157 નગરપાલિકાઓને પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ઓફ્ સ્ટ્રે કેટલ મીનાસ-2023 નીતિ-માર્ગદર્શિકાની ચુસ્ત અમલવારી માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

અમદાવાદ સહિત તમામ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરાયા છે, જેની પર રાજયનો કોઇપણ નાગરિક ફરિયાદ કરી રખડતા ઢોરના ત્રાસની સમસ્યા અંગે ફરિયાદ કરી શકશે. આ ફરિયાદ મળ્યેથી લોગબુકમાં તેની નોંધ કરી તાત્કાલિક નિવારણ કરવા પણ સૂચના અપાઇ છે.

રખડતા ઢોર અંગેની નીતિની અમલવારી અને તેની સમીક્ષા માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરના ત્રાસની સમસ્યાના કાયમી નિરાકરણ અને હાઇકોર્ટના ચુકાદાઓની ચુસ્ત અમલવારી સરકાર સતત પ્રયત્નશીલ છે. આ જ પ્રકારનું સોગંદનામું ટ્રાફ્કિ વિભાગના ડીસીપી દ્વારા પણ રજૂ કરાયું હતું.

તમામ કોર્પોરેશનના હેલ્પલાઈન નંબર નોંધી લો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – 155303
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન – 18001238000
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – 18002330265
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન – 18001231973
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન – 18002330131
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન – 101(ફયર ઇમરજન્સી નંબર)
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન – 18001081818
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન – 0252654730

 એકશન પ્લાનના મહત્ત્વના મુદ્દા

 • જાહેર રસ્તા પર કોઇપણ વ્યકિત દ્વારા ઘાસના વેચાણ કે ઘાસચારા પર પ્રતિબંધ
 • રસ્તા પરથી પકડાયેલા રખડતા ઢોરોને ગૌશાળા અથવા ઢોરવાડામાં મોકલી આપવા
 • ઢોરોને લાવવા-લઇ જવા માટે કોર્પોરેશન દ્વારા પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવી
 • જાહેર રસ્તા પરથી રખડતા ઢોર પકડાય તો જોગવાઇ મુજબ, કસૂરવાર ઢોર માલિક વિરુદ્ધ ફરિયાદ કરવી
 • વારંવાર ઢોરને રખડતા મૂકનાર ઢોર માલિક અને માથાભારે તત્વો સામે પાસા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવી
 • રખડતા ઢોરના ત્રાસની સમસ્યાના નિવારણ માટે સીએનસીડી ડિપાર્ટમેન્ટ ઉપર બે અધિકારી કોર્પોરેશને નિયુકત કરવાના રહેશે
 • રખડતા ઢોરના ત્રાસને લઇ કસૂરવાર લોકો સામે ઇપીકો કલમ- 332, 338,188 અને 189 હેઠળ ગુનો નોંધાશે
 • હાઇકોર્ટના ચુકાદાની અમલવારીની જવાબદારી તેમની રહેશે
 • રખડતા ઢોરોને પકડવાની રોજિંદી કામગીરી અસરકારકતા સાથે ચાલુ રાખવાની રહેશે
 • તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારોમાં ઢોરોને આરએફ્આઇડી ટેગ લગાવવા
 • ઢોરવાડામાં રાખવામાં આવેલા ઢોરોને કોઇ બીમારી કે રોગ ના થાય તેની તકેદારી રખાશે
 • જે ઢોર માલિકો પાસે પોતાના ઢોરને સાચવવાની સુવિધા ના હોય તેમને કોર્પોરેશન કે ન.પા. વિનામૂલ્યે ઢોરોનું નિર્વહન કરી આપશે
 • નગરપાલિકાઓમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા ચાલુ વર્ષે રૂ.દસ કરોડની ફળવણી
 • વર્ષ 2023-24 માટે રૂ.30 કરોડની અલગથી ફળવણી
 • વધુ ઢોરવાડા બનાવવા માટે તમામ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને સૂચના જારી