મુંબઇ : મુંબઇની સાકીનાકા પોલીસે નાશિકમાં મેફેડ્રોન બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો હતો. ડ્રગ ખરીદી અને વેચાણના સિંડીકેટના 12 આરોપીને ઝડપી લઇ 300 કરોડ રૂપિયાનો 151 કિલો મેફેડ્રોનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
સાકીનાકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગબાજી ચિમટેએ જણાવ્યું હતું કે આ ગેંગને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. કોર્ટે તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી છે. આ ટોળકી પાસેથી 151 કિલો 305 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી) કબજે કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય બજારમાં એની કિંમત અંદાજે 300 કરોડ 26 લાખ રૂપિયા છે. સાકીનાકા પોલીસે ગત 8 ઓગસ્ટના માહિતીના આધારે અન્વર સૈયદને 10 ગ્રામ મેફેડ્રોન સાથે પકડયો હતો. તેણે ધારીવામાં રહેતા આરોપી જાવેદ, આસિફ, ઇકબાલ પાસેથી આ મેફેડ્રોનની ખરીદી કરી હતી. આ ત્રિપુટીની ધરપકડ કરાઇ હતી. તેની પાસે 90 ગ્રામ મેફેડ્રોન મળ્યું હતું. તેમની પૂછપરછ બાદ ધારાવીના સુંદર, આયુબ, હસન શેખને 10 ગ્રામ મેફેડ્રોન સાથે પકડવામાં આવ્યા હતા.
આરોપી હસન શેખ ધારાવીના આરીફ પાસેથી ડ્રગ ખરીદતો હતો.પોલીસને આરીફ હૈદરાબાદમાં હોવાની ખબર પડી હતી. પછી હૈદરાબાદથી તેને પકડીને 110 ગ્રામ એમ.ડી. ડ્રગ, એક દેશી બનાવટની પિસ્તોલ, સાત જીવંત કારતૂસ, ચાર લાખ રોકડ કબજે કરાઇ હતી.
દક્ષિણ મુંબઇના જે.જે માર્ગ પરિસરમાં રહેતો નાસીર ઉર્ફે ચાચા તેને મેફેડ્રોન વેચતો હતો. પોલીસે નાસીરની 1 કિલો 250 ગ્રામ મેફેડ્રોન સાથે ધરપકડ કરી હતી. કલ્યાણના રિહાને તેને મેફેડ્રોન આપ્યું હતું. કલ્યાણથી રેહાન અને તેના સાથીદાર અસમતને પકડવામાં આવ્યા હતા તેમની પાસેથી 15 કિલો એમ.ડી. ડ્રગ મળ્યું હતું.
આરોપી રેહાન નાશિકના જિશાન શેખ પાસેથી નશીલો પદાર્થ ખરીદતો હતો. આની જાણ થયા બાદ સાકીનાકા પોલીસે નાશિક સ્થિત શિંદે ગામમાં શિંદે એમ.આઇ.ડી.સી.માં દરોડા પાડયા હતા. અહી કારખાનામાં મેફેડ્રોન બનાવવામાં આવતું હતું. કારખાનામાં 133 કિલો મેફેડ્રોન અને અન્ય સામગ્રી સહિત 267 કરોડ રૂપિયાની માલમત્તા મળી હતી.
આ પણ વાંચો-ગાંજાનું વાવેતર કરીને વેચતા આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષ કેદની સજા