ભારત સરકારને ધમકી; કાલે નરેન્દ્ર મોદી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દઈશું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીવથી મારી નાંખવાની અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી NIAને ઇ-મેઇલ થકી મળી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ મલિકે જણાવ્યું છે કે, આ પ્રકારની ધમકીઓ મળે છે પરંતુ તેની સામે પોલીસ સજ્જ છે. પોલીસ દ્વારા સ્ટેડિયમ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તે ઉપરાંત અન્ય વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ ચાંપતિ નજર રાખવામાં આવશે. વધુમાં તેમને જણાવ્યું કે, કોઈ પણ પ્રકારની દૂર્ઘટના ન ઘટે તે માટે પોલીસ એલર્ટ જ છે.

ધમકી આપનારે માંગી 500 કરોડ રૂપિયાની ખંડણી

આ બંને ધમકી આપનારાએ પોતાના ઈ-મેઇલમાં 500 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી છે. તે ઉપરાંત જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઇને પણ છોડી મૂકવાની માંગણી કરી છે. આ ધમકીભર્યો ઇ-મેલ NIAને મળ્યા પછી પીએમ મોદીની સિક્યોરિટી અને અન્ય રાજ્યોની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત આ ઈમેલ ક્યાં આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યું છે, તે સહિતની અન્ય તપાસ કરવામાં આવી રહી છે.

આ ઇ-મેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ થઇ ગઇ એલર્ટ

સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, ધમકી મળતા જ તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ અને વડાપ્રધાનની સુરક્ષા સંભાળતી તમામ એજન્સીઓને પણ આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. તો મુંબઈ પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ભારત-પાકિસ્તાનની મેચ હોવાના કારણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. આની સાથે-સાથે મુંબઈના વાનખેડે સ્ટડિયમની પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. કેમ કે, આગામી દિવસોમાં પણ ત્યાં એક મેચ રમાવવા જઈ રહી છે.

ધમકી આપનારે કહ્યું- અમને 500 કરોડ અને લોરેન્સ બિશ્નોઇ જોઇએ નહીં તો…

સરકારને ધમકી આપતા કહેવામાં આવ્યું છે કે, અમને તમારી સરકાર પાસેથી 500 કરોડ અને લોરેન્સ બિશ્નોઈ જોઈએ, નહીં તો કાલે નરેન્દ્ર મોદી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દઈશું. હિન્દુસ્તાનમાં બધું જ વેચાય છે, તો અમે પણ કંઈક ખરીદ્યું છે. ગમે તેટલી સુરક્ષા કરો, અમારાથી નહીં બચી શકો. જો વાત કરવી હોય તો આ ઈ-મેઇલથી જ કરજો.

આ પણ વાંચો-નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી વચ્ચે પોલીસ કમિશનરે કહ્યું, પોલીસ સજ્જ, સ્ટેડિયમ પર ચુસ્ત બંદોબસ્ત રહેશે