ઇન્ટરનેશનલ ડેસ્ક: શનિવારે દક્ષિણ ઈઝરાયેલમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો, પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા મોટી સંખ્યામાં રોકેટ છોડવામાં આવ્યા છે. આ પછી ઈઝરાયેલે યુદ્ધનું એલર્ટ જાહેર કર્યું છે. હમાસ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય 16 લોકો ઘાયલ થયા હતા.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારે વહેલી સવારે ઈઝરાયેલના વિસ્તારો પર ડઝનેક રોકેટ છોડ્યા હતા, ઈઝરાયેલ સરકારે તેમના નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.
રિપોર્ટ અનુસાર ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલના ઘણા રહેણાંક વિસ્તારો પર રોકેટ છોડવામાં આવ્યા છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે હવાઈ હુમલા અંગે ચેતવણી આપતી સાયરનનો અવાજ છેક આર્થિક અને સાંસ્કૃતિક રાજધાની તેલ-અવીવ સુધી સંભળાયો છે.
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના નેતા મોહમ્મદ દેઈફે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરુ કર્યું છે. આ ઓપરેશનને ‘ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’ નામ અપાયું છે. હમાસે શનિવારે વહેલી સવાર ઈઝરાયેલ પર 5,000 રોકેટ છોડ્યા છે.
ગાઝા પટ્ટીનો વિવાદ શું છે?
ગાઝા પટ્ટી એ એક નાનો પેલેસ્ટિનિયન પ્રદેશ છે, જે ઈજિપ્ત અને ઈઝરાયેલ વચ્ચે ભૂમધ્ય સમુદ્ર કિનારે સ્થિત છે. પેલેસ્ટાઈન એ આરબ અને બહુમતી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. તે હમાસ દ્વારા શાસિત છે જે ઈઝરાયેલ વિરોધી આતંકવાદી જૂથ છે. તે એટલા માટે કારણ કે પેલેસ્ટાઈન અને અન્ય ઘણા મુસ્લિમ દેશો ઈઝરાયેલને યહૂદી રાજ્ય તરીકે માન્યતા આપવાનો ઈનકાર કરે છે. 1947 પછી જ્યારે યુએનએ પેલેસ્ટાઈનને યહૂદી અને આરબ રાજ્યમાં વિભાજિત કર્યું ત્યારે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો, જેમાં એક મહત્ત્વનો મુદ્દો તેને યહૂદી રાજ્ય તરીકે સ્વીકારવાનો છે અને બીજો ગાઝા પટ્ટીનો છે જે ઈઝરાયેલની સ્થાપના છે, જે ઈઝરાયેલ અને અન્ય આરબ દેશો વચ્ચે સંઘર્ષનું કારણ સાબિત થયું છે.