પટાવાળાથી CEO સુધીઃ ઈન્ફોસિસમાં કચરાં-પોતા કરતાં દાદાસાહેબ આજે બે કંપનીના માલિક છે

કોઈ શ્રમજીવી પરિવારમાંથી આવતો યુવાન IAS,IPS કે ડોક્ટરનો અભ્યાસ કરીને ઉજ્જવળ કરિયર બનાવ્યું હોય તેવો કિસ્સો તમે જરુર સાંભળ્યો હશે પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે 80 રુપિયા રોજના વેતન પર કામ કરતો મજૂર, ઓફિસમાં પટાવાળાનું કામ કરનાર, સફાઈ કરનાર વ્યક્તિ કંપની સ્થાપીને આજે કરોડોનું ટર્નઓવર ધરાવતો બિઝનેસમેન બની જાય તે વાત જરા અચરજ જન્માવે. પરંતુ આ હકીકત છે. દાદાસાહેબ ભગતે એ વાત સાર્થક કરી બતાવી છે.

દાદાસાહેબ ભગતનો જન્મ 1994માં મહારાષ્ટ્રના બીડમાં થયો હતો. પૂણેથી લગભગ 200 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના સૌથી પછાત જિલ્લા બીડના રહેવાસી દાદાસાહેબ ભગતનો જન્મ અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. માતા-પિતા શેરડીના ખેતરમાં કાપણીનું કામ કરતા. ઘણી વખત તેને મજૂરી માટે ગામની બહાર જવું પડ્યું. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે 14 વર્ષની ઉંમરે તેણે કૂવો ખોદવાનું અને માટી ઉપાડવાનું કામ શરુ કર્યું. બદલામાં તેને રોજના 80 રુપિયા મળતા હતા.

વર્ષ 2009માં દાદાસાહેબ શહેરમાં આવ્યા. તેને ઈન્ફોસિસ કંપનીમાં નોકરી મળી. ઓફિસ બોયની નોકરી માટે તેને 9000 રુપિયાનો પગાર મળવા લાગ્યો. તેણે ઓફિસમાં બીજાને ચા-પાણી પીરસવાનું હતું. સ્વીપ કરવું, મોપ કરવું અને સાફ-સફાઈ કરવું. તેણે તેના માતાપિતાને તેની પટાવાળા તરીકેની નોકરી વિશે જણાવ્યું ન હતું.

ઈન્ફોસિસમાં કામ કરવું તેના માટે સારું હતું, તેણે જોયું કે લોકો કમ્પ્યૂટર પર કંઈક કરી રહ્યા છે, જેના કારણે તેઓ મોટી મોટી ગાડીઓમાં આવે છે. કમ્પ્યૂટરમાં તેનો રસ જાગવા લાગ્યો. ત્યાંથી તેણે કમ્પ્યૂટર અને તેની ટેકનોલોજીને લગતી વિગતો શીખવાનું શરુ કર્યું. રાત્રે ગ્રાફિક્સ ડિઝાઈનિંગ અને એનિમેશનનો અભ્યાસ કરવા લાગ્યા. નોકરીની સાથે સાથે C++ અને Python કોર્સ કર્યા.

ઓફિસ પછી તેણે કમ્પ્યૂટર શીખવાનું શરુ કર્યું. ગ્રાફિક્સ-ડિઝાઈનિંગ કોર્સ પૂરો કર્યા પછી તેણે ગ્રાફિક્સ કંપની સાથે કામ કરવાનું શરુ કર્યું, જેથી તે ગ્રાફિક્સ વીએફએક્સ, મોશન ગ્રાફિક્સ જેવી વસ્તુઓ સમજી શકે છે. એક દિવસ દાદાસાહેબ સાથે અકસ્માત થયો ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું. અકસ્માત પછી તે શહેર છોડીને ત્રણ મહિના માટે ગામમાં ગયો. ત્યાંથી તેણે એક મિત્ર પાસેથી લેપટોપ ભાડે લીધું અને ટેમ્પલેટ્સ બનાવીને પ્લેટફોર્મ પર વેચવાનું શરુ કર્યું. તે તેના પગાર કરતાં વધુ કમાવા લાગ્યો. પછી તેણે વિચાર્યું કે તે જે પણ કામ બીજાના પ્લેટફોર્મ પર કરે છે, તે પોતે કેમ ન કરે. વર્ષ 2016માં દાદાસાહેબે પોતાની નિન્થમોશન કંપની શરુ કરી. તેઓ 40 હજારથી એક્ટિવ યુઝર સુધી પહોંચવા લાગ્યા, તે અહીંયા અટક્યા નહીં, તેણે ઓનલાઈન ગ્રાફિક્સ ડિઝાઈનિંગ માટે એક નવું સોફ્ટવેર તૈયાર કર્યું. આ સોફ્ટવેર કેનવા જેવું જ છે.

આ કંપનીનું નામ હતું DooGraphics. તેને મોટી કંપનીઓ તરફથી ઓફર મળવા લાગી. આજે તેની બન્ને કંપનીઓની કિંમત 2 કરોડ રુપિયા છે. PM મોદીએ 20 સપ્ટેમ્બર 2020ના રોજ મન કી બાતમાં દાદાસાહેબના કાર્ય અને તેમના સમર્પણની પણ પ્રશંસા કરી હતી.