મેડિકલ એસો.ની માર્ગદર્શિક, ડાયાબિટીસ, હૃદયની સમસ્યા હોય તો લાંબો સમય ગરબા રમવાનું ટાળો

નવરાત્રિ દરવાજે ટકોરા મારી રહી છે અને ખેલૈયાઓમાં ધનગનાટ ઉમળકા લઈ રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી યુવાનોમાં આવી રહેલા હાર્ટએટેકને જોતા અમદાવાદ મેડિકલ એસોસિએશને માર્ગદર્શિકા બહાર પાડી છે.

ગુજરાતમાં તાજેતરમાં જ ગરાબની પ્રેક્ટિસ વખતે કેટલાક યુવાનોના કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયાની આઘાતજનક ઘટના સામે આવી હતી. આ ઘટનાઓ બાદ કેટલાક આયોજકો દ્વારા તકેદારીના ભાગરુપે ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પણ ખેલૈયાઓ માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર જો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યા જેવા રોગ હોય તો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળવું જોઈએ. આ સમસ્યા ધરાવતા દર્દીએ નિયમિત દવાઓ લેવાનું ચૂકવું જોઈએ નહીં. ઉપરાંત ગરબા કરવા કે કેમ તેના અંગે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડન્ટે જણાવ્યું કે, ગરબા દરમિયાન શરીરને ખૂબ જ વ્યાયામ મળે છે. જેના કારણે ખેલૈયાઓમાં પાણી, ક્ષારની અછત થઈ શકે છે. બ્લડ પ્રેશર, પલ્સ, સુગર પણ વધઘટ થવાનું જોખમ રહે છે. ઉપરાંત અનેક લોકો જંક ફૂડ પણ ખાતા હોય છે, અપૂરતી ઊંઘ લેતા હોય છે અને બેઠાડું જીવન ધરાવે છે. આ બાબતો ખેલૈયાઓને હૃદયરોગ અને અચાનક કાર્ડિયાક અરેસ્ટના જોખમમાં મૂકી શકે છે.

મેડિકલ કન્ડિશન ધરાવતા દર્દીઓએ અગાઉ ઈકો, કાર્ડિયો, ટીએમટી સહિતના ટેસ્ટ ડોક્ટરની સલાહને આધાર કરાવી લેવા હિતાવહ છે. ઉપરાંત 40થી વધુ વયની જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ કરતા નથી અને બ્લડ પ્રેશર-ડાયાબિટીસ-હૃદયની સમસ્યાનો કૌટુંબિક ઈતિહાસ હોય તેમણે ગરબા કરતા પહેલાં હૃદયની તપાસ કરાવવી યોગ્ય રહેશે.

આ માર્ગદર્શિકા અનુસાર સપોર્ટ સ્ટાફ-સુરક્ષાકર્મીઓને સીપીઆરની ટ્રેનિંગ આપો, ગરબાના સ્થળે જ પ્રાથમિક સુવિધા સાથે ફરજ પર ડોક્ટરને રાખવા યોગ્ય રહેશે.