AI ટેકનોલોજીથી તૈયાર થયેલા ઉપકરણે ધરતીકંપની આગાહી કરવામાં 70 ટકા સફળતા મેળવી

દુનિયા હવે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી યુગમાં પ્રવેશી ચૂકી છે. આ ટેકનોલોજીની અસીમ શક્તિને હજુ આપણે એક્સપ્લોર કરવાની શરુઆત જ કરી છે. હવે એક મહત્ત્વના સમાચાર ચીન તરફથી સામે આવી રહ્યા છે. એઆઈ ટેકનોલોજીથી તૈયાર થયેલા ખાસ પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણની મદદથી ઘરતીકંપની આગાહી કરવામાં 70 ટકા સફળતા મળી છે.

ચીનમાં સાત મહિના સુધી ચાલેલા પ્રયોગ દરમિયાન ભૂકંપ થયા તે પહેલાં તેની આગાહી એક સપ્તાહ અગાઉ થઈ શકી હતી. આ માહિતી વૈજ્ઞાનિકોના એક જૂથ દ્વારા અપાઈ છે.

ભૂકંપ વિશેના અભ્યાસની આ વિગતો જર્નલ બુલેટીન ઓફ ધ સિસ્મોલોજીકલ સોસાયટી ઓફ અમેરિકામાં પ્રસિદ્ધ થઈ છે. યુનિવર્સિટી ઓફ ટેકસાસના સંશોધકોએ એવી માહિતી આપી હતી કે ધરતીકંપની સાપ્તાહિક આગાહી કરવાના પ્રયોગ દરમિયાન 320 કિલોમીટરના અંતરે એઆઈના વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા 14 ભૂકંપની સચોટ આગાહી થઈ શકી હતી. જોકે એક ધરતીકંપની આગાહી કરી શકાઈ નહોતી. સાથોસાથ ભૂકંપની આઠ ચેતવણી આપવામાં પણ ભૂલ થઈ હતી.

સંશોધકોએ એવું મહત્ત્વનું નિરીક્ષણ પણ કર્યું છે કે ભૂકંપની આગાહી વિશે ચીનમાં થયેલા આ જ પ્રકારના પ્રયોગો વિશ્વના અન્ય દેશોમાં સફળ થશે કે કેમ કહી ન શકાય. હજી સુધી આવી કોઈ સચોટ માહિતી નથી. આમ છતાં કેલિફોર્નિયા, ઈટાલી, જાપાન, તુર્કી, ગ્રીસ વગેરે જેવા ભૂકંપની વધુ શક્યતા ધરાવતા દેશોમાં પણ આ ટેકનોલોજી સફળ થશે તે વિશે વિશ્વાસ છે.