ઉત્તર સિક્કિમમાં પ્રલય પછી ત્યાં ફસાયેલા પ્રવાસીઓ, કામદારો અને સ્થાનિક લોકોને બચાવવાનું રાહત કાર્ય થઈ રહ્યું છે. રવિવારે રોડ કનેક્ટિવિટી વિનાના વિસ્તારોમાંથી કુલ 206 લોકોને બચાવ્યા હતા.
ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)એ દોરડાની મદદથી ચુંગથાંગમાં ફસાયેલા 56 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે અને તેમને રાહત શિબિરમાં લઈ ગયા છે, જેમાં 52 પુરુષો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.
સિક્કિમના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા ત્રણ હજારથી વધુ પ્રવાસીઓને બચાવવા માટે અત્યાર સુધીમાં માત્ર એક વાંસનો પુલ બનાવવામાં આવ્યો છે. જેની મદદથી 150 લોકોના જીવ બચાવાયા છે.
સોમવારના રોજ આ વાંસના પુલની મદદથી અન્ય પ્રવાસીઓ અને કામદારોને બહાર કાઢવાની ઝુંબેશ શરુ કરવામાં આવશે. આ વિસ્તારના તમામ પુલ ધોવાઈ ગયા છે. આ દુર્ઘટના બાદે એકલા સિક્કિમમાં અત્યાર સુધીમાં 33 મૃતદેહો મળી આવ્યા છે.
ઉપરાંત બંગાળના વિવિધ વિસ્તારોમાંથી 52થી વધુ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. રવિવાર સુધી રાજ્ય પ્રશાસન પાસે નોંધાયેલા અહેવાલો અનુસાર ગુમ થયેલા લોકોની સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. ખરાબ હવામાનને કારણે એરફોર્સ અને સિક્કિમ સરકાર દ્વારા ભાડે રાખવામાં આવેલા હેલિકોપ્ટર ટેકઓફ કરી શકતા નથી.
દુર્ઘટનાના પાંચમાં દિવસે ઉત્તર સિક્કિમના લાચુંગ, લાચેન અને ચુંગથાંગમાં ફસાયેલા હજારો લોકોને બચાવવાની કામગીરી શરુ કરવામાં આવી શકે છે. ITBP, ભારતીય સેનાના જવાનો, ભારતીય રિઝર્વ બટાલિયન અને સિક્કિમ પોલીસ, BRO સાથે સ્થાનિક નાગરિકોએ વાંસનો પુલ બનાવ્યો છે.
ચુંગથાંગમાં વાંસ અને લાકડામાંથી બનેલા ત્રીસ મીટર લાંબા અસ્થાયી પુલની મદદથી પાંચ વિદેશો, સાત સ્થાનિક પ્રવાસીઓ અને એક ટૂર ગાઈડ સહિત 150 લોકોને બચાવાયા છે.
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA)ના અધિકારીઓએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન માટે વિશેષ રડાર, ડ્રોન અને આર્મી ડોગ સ્કવોડને તૈનાત કરવામાં આવી છે. નેશનલ હાઈવે 10, જે સિક્કિમની લાઈફલાઈન ગણાય છે, તે ઘણી જગ્યાએ ધોવાઈ જવાને કારણે તૂટેલા પુલોને કારણે હજુ સુધી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ શક્યો નથી.
રંગપો અને સિંગતમ વચ્ચે સમારકામની કામગીરી ચાલી રહી છે. પૂર્વ સિક્કિમ જિલ્લામાંથી રાજ્યની રાજધાની ગંગટોકના વૈકલ્પિક માર્ગો ખુલ્લા છે.