મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી ICC મેન્સ વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમ જ મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ બેઠકમાં વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક ઈ-મેઈલ NIAને મળ્યો છે. ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે ત્યારે પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું કે, આ પ્રકારના થ્રેટ મળે છે પરંતુ પોલીસ સજ્જ છે. સ્ટેડિયમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.
NIAને મળેલા ઈમેઈલમાં મોકલનાર શખ્સે રુ. 500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈને પણ છોડી મૂકવાની માંગ કરી છે. આ ઈમેઈલ બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ઈમેઈલ કયા IP એડ્રેસ પરથી આવ્યો છે તેની તપાસ થઈ રહી છે.