મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના પાછળ ઓરેવા કંપની જ જવાબદારઃ સીટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો

30 ઓક્ટોબર 2023ના રોજ મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાને એક વર્ષ પૂરું થશે. આ દુઃખદ ઘટનામાં અનેક માસુમોના જીવ ગયા હતા. ત્યારે આ દુર્ઘટનાને મામલે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન આ સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા પાંચ હજારથી વધુ પાનાનો દળદાર રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો.

સીટના રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા કંપની જ મુખ્ય જવાબદાર ઠરે છે. ખાસ કરીને ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ અને તેના બે મેનેજર દિનેસ દવે અને દીપક પારેખ સહિત સમગ્ર ઓરેવા કંપનીના મેનેજમેન્ટની જવાબદારી બનતી સ્પષ્ટ જણાય છે.

ઓરેવા કંપનીની ગંભીર ભૂલોના કારણે કલ્પના ના કરી શકાય તેવા માનવીય કરુણાંતિકા સર્જાઈ હતી. આ દુર્ધટનામાં 135 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 56થી વધુ ઘાયલ થયા હતા.

રિપોર્ટમાં જણાવાયું છે કે, ઓરેવા કંપનીના મેનેજમેન્ટ તરફથી બહુ જ ગંભીર પ્રકારની ઓપરેશનલ અને ટેકનિકલ ક્ષતિઓ દાખવવામાં આવી હતી. એટલું જ નહીં બ્રિજ ખુલ્લો મૂકતાં પહેલાં કોઈ ફિટનેસ ટેસ્ટ કે રિપોર્ટ પણ કરાયો ન હતો. બ્રિજ ખુલ્લો મૂકતાં પહેલાં કંપની દ્વારા મોરબી નગરપાલિકા સાથે પણ સલાહસૂચન કરવામાં આવી ન હતી.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે, બ્રિજ ઉપર વ્યક્તિઓની સંખ્યા કે ટિકિટોના વેચાણ મુદ્દે પણ કોઈ નિયંત્રણ રાખવામાં આવ્યું ન હતું. નુકસાનકારક બ્રિજથી નાગરિકોને બચાવવા માટે પૂરતી સલામતી કે સુરક્ષા વ્યવસ્થા પણ રખાઈ ન હતી.

ઓરેવા કંપનીએ બ્રિજના રિપેરિંગ અને તેને મજબૂત બનાવવાનું કામ બિન સક્ષમ (બિન અનુભવી) એવી એજન્સીને આપ્યું હતું. કોઈ ટેકનિકલ એક્સપર્ટ કે નિષ્ણાતોની મદદ વિના જ રિપેરિંગ કામ હાથ ધરાયું હતું. બ્રિજના માળખા બાબતે નિષ્ણાંત એન્જિનિયરોની સલાહ વિના જ બ્રિજની માળખાકીય ડિઝાઈનમાં ફેરફાર કરાયો હતો અને તેમાં ઘણી ખાણીઓ સામે આવી હતી, જે બ્રિજની દુર્ઘટના માટે જવાબદાર બની હતી.

રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે સીસીટીવી ફૂટેજ, સાઈટ નિરીક્ષણ અને તપાસના તથ્યો જોતા, બ્રિજના ઉપરની મુખ્ય કેબલ તૂટી જવાના કારણે મોરબી બ્રિજ દુર્ધટના સર્જાઈ હતી. તમામ સલામતી બાબતો અને ડિઝાઈન ગણતરી સહિતના પાસાં ધ્યાનમાં લેતા એ વખતે જો બ્રિજના તમામ 49 વાયરો સારી કંડીશનમાં હોત તો તે મહત્તમ 75થી 80 વ્યક્તિઓનો ભાર વહન કરી શકે તેમ હતાં પરંતુ નિરીક્ષણમાં જોવામાં આવ્યું કે, 49માંથી 22 વાયરો કાટના કારણે ઓલરેડી તૂટી ગયા હતા અને તેને બ્રિજની ભાર વહન કરવાની ક્ષમતા ઘણા અંશે ઘટી ગઈ હતી.