ICC મેન્સ વન-ડે વર્લ્ડકપ 2023માં જે મુકાબલાની ક્રિકેટપ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા તે હવે માત્ર ગણતરીના દિવસ જ દૂર છે. શનિવારે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ યોજાવા જઈ રહી છે. આ મુકાબલા માટે પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં બપોરે 3 વાગે આવી પહોંચશે. પાકિસ્તાનની ટીમ વર્ષ 2012 બાદ 11 વર્ષ પછી અમદાવાદમાં પગ મૂકી રહી છે.
ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર હૈદરાબાદથી બપોરે 3 વાગે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે પાકિસ્તાની ટીમ આવી પહોંચશે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ અને તે જ્યાં રોકાશે તે હોટેલમાં પણ સલામતી બંદોબસ્ત જડબેસલાક કરી દેવાયો છે.
2000ની ટિકિટ 20,000 અને 10,000ની ટિકિટ 1 લાખમાં વેચાઈ રહી છે
ઓનલાઈન તમામ ટિકિટો વેચાઈ જતાં ઓફલાઈન ટિકિટ ખરીદીમાં કાળા બજાર જોવા મળી રહ્યા છે. જે બે હજાર રુપિયાની ટિકિટ હતી તે 20,000માં અને 10 હજારની ટિકિટ હતી તે 1 લાખ રુપિયામાં વેચાઈ રહી છે. ઉપરાંત સોશિયલ મીડિયામાં ટિકિટ વેચાણના નામે ઓનલાઈન છેતરપિંડી પણ વધી છે. આ ઉપરાંત 3500 રુપિયાની ટિકિટ 35000 હજાર અને 4 હજારની ટિકિટ 40થી 45 હજારમાં વેચાઈ રહી છે. પોલીસ પણ આ કાળાબજારને રોકી શકી નથી. તો બીજી તરફ લેભાગુ લોકોએ ભારત-પાકિસ્તાનની બનાવટી ટિકિટો પણ વેચી છે. હવે ઓનલાઈન વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટિકિટ વેચવાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના કિસ્સા સામે આવ્યા છે.