નવી દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ એક્સપ્રેસને બુધવારે મધરાત્રે બિહારમાં ગંભીર અકસ્માત નડ્યો છે. બક્સર જંક્શનથી ટ્રેન ઉપડ્યાના થોડા સમય બાદ રઘુનાથપુર પૂર્વ ગુમટી પાસે આ અકસ્માત થયો હતો.
અત્યાર સુધી ટ્રેનની 21 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે, જેમાંથી બે પલટી ગઈ છે. એક બોગી પાટા પરથી ઉતરીને બીજી સાથે અથડાઈને તેની બાજુ પર પડી છે.
ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ કહ્યું છે કે ઘાયલો અંગે કોઈ નક્કર માહિતી નથી. ટ્રેનના કેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
જિલ્લા પ્રશાસને 60થી 70 લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. ઘટના સ્થળે રાહત કાર્યમાં લાગેલા લોકોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો મળી આવ્યા છે. જિલ્લા મેનિસ્ટ્રેટે પણ ચાર મૃત્યુની પુષ્ટિ કરી છે. રાહત કાર્યમાં લાગેલા લોકોએ માહિતી આપી છે કે 50-52 લોકો ઘાયલ થયા છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બક્સરમાં ઘટના સ્થળે રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. NDRF, SDRF, જિલ્લા વહીવટીતંત્ર, રેલવે અધિકારીઓ અને સ્થાનિક લોકો એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. રેલવે વોર રુમે પણ કામ શરુ કરી દીધું છે.