અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી, બાઈડેને કહ્યું, ઈઝરાયેલ યુદ્ધ નિયમો અનુસાર પગલાં લે

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. સાથે જ ઈરાન પર પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને મદદ કરવાનો આરોપ લાગી રહ્યો છે.

આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચેતવણી આપી છે અને ઈરાનને સાવચેત રહેવા કહ્યું છે. બાઈડેને કહ્યું કે અમેરિકા દ્વારા ઈઝરાયેલને મોકલવામાં આવી રહેલી મદદ અને આ ક્ષેત્રમાં અમેરિકન યુદ્ધ જહાજો અને ફાઈટર પ્લેનની તૈનાતીએ ઈરાનીઓને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સાવધાન રહે.

રાષ્ટ્રપતિ બાઈડેને બુધવારે વ્હાઈટ હાઉસમાં યહૂદી નેતાઓની ગોળમેજી બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. બાઈડેને કહ્યું કે તેમણે બુધવારે સવારે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફરીથી વાત કરી છે. આ દરમિયાન તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે ઈઝરાયેલ યુદ્ધના નિયમો અનુસાર કોઈપણ કાર્યવાહી કરવી જોઈએ.

બાઈડેને કહ્યું કે, હું નેતન્યાહુને 40 વર્ષથી ઓળખું છું. અમારી વચ્ચે ખૂબ જ સ્પષ્ટ સંબંધ છે. અને મેં કહ્યું એક વસ્તુ ખરેખર મહત્ત્વપૂર્ણ છે કે ઈઝરાયેલ, તમામ ગુસ્સા અને હતાશામાં પણ, યુદ્ધના નિયમો અનુસાર તેના પગલાં લે.

બાઈડેને કહ્યું કે તેઓ માને છે કે ઈઝરાયેલી સરકાર દેશને એક કરવા માટે તેની પુરી તાકાતમાં બધું કરી રહી છે અને યુનાઈટેડ સ્ટેટ્સ પણ ઈઝરાયેલની સફળતા સુનિશ્ચિત કરવા માટે તેની શક્તિમાં બધું કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિ બાઈડેને હમાસના હુમલાઓને અત્યંત ક્રૂર ગણાવ્યા અને કહ્યું કે તેઓ માને છે કે હોલોકોસ્ટ પછી યહૂદીઓ માટે આ સૌથી ઘાતક દિવસ હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસ ઈન્ટેલિજન્સે ખુલાસો કર્યો છે કે ઈરાની નેતાઓ હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ બાઈડેન પ્રશાસને હજુ સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ કાઢ્યો નથી. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સલાહકાર જેક સુલિવાને મંગળવારે કહ્યું કે ઈરાન હુમલામાં સામેલ છે કારણ કે તેણે દાયકાઓથી હમાસને સમર્થન આપ્યું છે.