પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓને અપાતો પ્રસાદ પણ ગુણવત્તાવાળો રહ્યો નથી. મોહિની કેટરર્સે શુદ્ધ ઘીના નામે ભેળસેળ કરીને શ્રદ્ધાળુઓને મોહનથાળ પધરાવ્યો હતો.
અંબાજી ટ્રસ્ટે મોહિની કેટરર્સને મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ મામલે એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે મોહિની કેટરર્સ વનસ્પતિ તેલ ભેળવેલા ઘીનો ઉપયોગ કરી મોહનથાળનો પ્રસાદ બનાવતો હતો.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોહનથાળ પ્રસાદના નમૂના લેતાં તેમાં ભેળસેળ કરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મોહનથાળમાં વપરાતા ઘીના સેમ્પલ લેવાયા હતા જેના રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે ઘીમાં વનસ્પતિ તેલનું મિશ્રણ કરવામાં આવતું હતું.
ઉલ્લેખનીય છે કે મોહિની કેટર્સે અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સ પાસેથી ભેળસેળીયું ઘી ખરીદ્યું હતું. ઉપરાંત એવું જોવા મળ્યું કે બજારમાં અમૂલ બ્રાન્ડના શુદ્ધ ઘીનો 15 કિલોના ડબ્બાનો ભાવ રુ.13થી 15 હજારની આસપાસ છે. ત્યારે મોહિની કેટરર્સે અમદાવાદમાંથી નિલકંઠ ટ્રેડર્સ પાસેથી રુ. 8 હજારના ભાવે ડબ્બા ખરીદ્યા હતાં. બજાર ભાવ કરતાં ઓછા ભાવ હોવા છતાં મોહિની કેટરર્સે અશુદ્ધ ઘી ખરીદી કરી હતી.
રાજસ્થાનના ‘સરસ’ઘીના સેમ્પલ પણ ફેલ
મોહનથાળ બનાવવા માટે મોહિની કેટરર્સે રાજસ્થાનની સરસ કંપનીના ઘીનો ય ઉપયોગ કર્યો હતો. એક માહિતી અનુસાર, મોહિની કેટરર્સે રાજસ્થાનની સરસ કંપનીનું ઘી ખરીદ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સરસ ઘીના સેમ્પલની તપાસ કરી હતી જેમાં જણાવ્યું છેકે સરસ ઘીના સેમ્પલ ફેલ છે. આ વાતની જાણ થતાં જ સરસ ઘીના સંચાલકો તાકીદે અંબાજી દોડી આવ્યા હતા અને તેમણે 2500 ઘીના ડબ્બા પરત લઈ લીધા હતા. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.