ડેડીયાપાડાના સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયા પોલીસ હપ્તો લે છે: મનસુખ વસાવાનો આક્ષેપ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના કોલીવાડા ખાતે અમૃત કળશ યાત્રા આવી પહોંચી હતી.કોલીવાડા ખાતેના મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્ર્મમાં ઉપસ્થિત ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે અહીંયા પોલીસ જ લાખો રૂપિયા હપ્તા લઈ ઉપર રહીને દારૂનો ધંધો કરાવે છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે નાંદોદના ચિત્રોલ-મયાસીમાં ભુતકાળમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો, અને હાલમાં પણ ત્યાં મોટા પાયે દારૂનો ધંધો ચાલું થઈ ગયો છે.ડેડીયાપાડાના સોલીયામાં બુટલેગરો ફાટી નીકળ્યા છે, સોલિયામાં દર મહિને 35 લાખ રૂપિયા પોલિસ હપ્તો લે છે.ચિકદામાં આંકડા- જુગારના ધંધામાં કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે.ભાજપના કાર્યકરો દિવસ રાત મેહનત કરી વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને બીજા લોકો એના પર પથારી ફેરવી નાખે છે.તિલકવાડામાં બુટલેગરોને કેટલીક રાજકીય પાર્ટીઓએ જોડી દીધા છે, આવા લોકોને ખુલ્લા પાડવા પડશે. આ બધું રોકવું પડશે બાકી યુવા પેઢી બરબાદ થઈ જશે.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ગમે એટલો મોટો ચમરબંધી હોય એને ખુલ્લો પાડતા હું બિલકુલ ગભરાતો નથી.પીએમ મોદી સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, દેશ યુવાનોને સોંપવા માંગે છે તો બીજી બાજુ દારૂ- જુગારના રવાડે ચઢી યુવાધન ખતમ થઈ રહ્યું છે.કેટલાંક નેતાઓ અહીંયા સ્ટાર બેન્ડ બોલાવી લોકોને દારૂ પીવડાવી આખી આખી રાત નચાવે છે, એમની આ નીતિ યોગ્ય નથી.યુવાનોમાં પડેલી શક્તિને શિક્ષણ અને રોજગાર તરફ ડાયવર્ટ કરવી જોઈએ એની જગ્યાએ વ્યસનના રવાડે ચડાવવામાં આવે છે.