સેલંબા કોમી રમખાણોમાં સાગબારા PSI પી.વી.પાટીલનો ભોગ લેવાયો, SOU પર લીવ રિઝર્વમાં મુકાયા

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના સેલંબામાં વિહિપ અને બજરંગદળની શોર્ય યાત્રા પર પથ્થરાવ બાદ સર્જાયેલા કોમી રમખાણમાં સાગબારા પી.એસ.આઈ પી.વી.પાટીલનો ભોગ લેવાયો છે.એમને સજાના ભાગરૂપે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ તાત્કાલિક અસરથી બદલી કરી એસ.ઓ.યુ પર લીવ રિઝર્વમાં મુકી સાઈડ પોસ્ટિંગ કરી દીધું છે.પી.એસ.આઈ પી.વી.પાટીલને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે.જ્યારે સાગબારા પીએસઆઈ તરીકે એમ.ઓ.બી અને પેરોલ ફ્લોના પી.એસ.આઈ સી.ડી.પટેલની નિમણૂક કરાઈ છે.જ્યારે લીવ રિઝર્વ એટેચ એસ.ઓ.યુ પીએસઆઈ રહેલા પી.આર.ચૌધરીને એમ.ઓ.બી અને પેરોલ ફ્લોના પી.એસ.આઈ તરીકે બદલી અપાઈ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ કોમી રમખાણો મુદ્દે સાગબારા પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા.

સેલંબામાં શોર્ય યાત્રા સમયે બંદોબસ્તમાં સાગબારા પી.એસ.આઈ પી.વી.પાટીલ સ્ટાફ સાથે હતા.જોકે પૂરતો સ્ટાફ અપાયો ન હોય તેની સામે બંને કોમના ટોળા ધસી આવતા સ્થિતિ વણસવા સાથે રાયોટિંગને કાબુમાં લેવામાં વધુ સમય લાગ્યો હતો.જેને લઈ કોમી છમકલુ રોકવામાં નિષ્ફળ પી.એસ.આઈ પર ગાજ પડી છે.પીએસઆઈ પાટીલને મુખ્ય ધારાથી હટાવીને સજાના ભાગરૂપે લિવ રિઝર્વ એટેચ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ ખાતે મૂકી દેવાયા છે.