CBSE બોર્ડની જાહેરાત બાદ હવે ગુજરાત બોર્ડમાં પણ ધો.12 સાયન્સની પરીક્ષા બે વાર લેવાશે, પરીક્ષા પદ્ધતિ નવી રહેશે

કેન્દ્ર દ્વારા સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાની જાહેરાત કરાયા બાદ ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત બોર્ડની ધોરણ.12 સાયન્સની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાશે તેની જાહેરાત કરી છે.

માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમાં બે વિષયની પુરક પરીક્ષાને બદલે તમામ વિષયોની 12 સાયન્સ બોર્ડ પરીક્ષા થશે. બન્ને પરીક્ષાઓમાંથી જે બેસ્ટ રિઝલ્ટ હશે તે ધ્યાને લેવાશે. જ્યારે ધોરણ 10ની પુરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધો.12 સામાન્ય પુરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે.

સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ ફેરફારનો નિર્ણય લેવાયો છે અને જે મુજબ હેતુલક્ષી પ્રશ્નો વધારી દેવાયા છે. ઘણા સમયથી વિચારણા ચાલી રહી હતી, જેમાં મુખ્યમંત્રીની મંજૂરી મળતા શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષાઓ બે વાર લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જોકે ખાનગી સ્કૂલોમાં તો પ્રથમ સત્રની પરીક્ષાઓ પૂરી પણ થઈ ગઈ છે અને હવે અડધું સત્ર પૂરું થવા આવ્યું છે ત્યારે ધો.12ની સાયન્સની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાની જાહેરાત કરી છે.

આ જાહેરાત બાદ વિદ્યાર્થીઓ ઈચ્છે તેટલા વિષયની પુનઃ પરીક્ષા આપી શકશે અને બન્નેમાંથી જે બેસ્ટ સ્કોર હશે તે ધ્યાને લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા માટે તમામ કેન્દ્રોની જાણ સ્કૂલોને જાન્યુઆરીમાં જ કરી દેવાશે. માત્ર 12 સાયન્સની જ પરીક્ષા બે વાર લેવાશે. જ્યારે ધોરણ 10ની મુખ્ય બોર્ડ પરીક્ષા માર્ચમાં લેવાયા બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જુલાઈની પુરક પરીક્ષામાં બેને બદલે હવે ત્રણ દિવસ માટે તક અપાશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જુલાઈની પુરક પરીક્ષામાં એક વિષયને બદલે બે વિષય માટે તક અપાશે.