રાજ્યમાં 46 સ્થળે GSTના દરોડા, 4 કરોડની કરચોરી પકડાઈ

રાજ્યના GST વિભાગે અમદાવાદમાં 14 સ્થળ સહિત 46 સ્થળે સાગમટે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં અધિકારીઓએ જોયું કે ગ્રાહકોને સેવા તેમજ માલ પૂરો પાડતા વિવિધ એકમોએ જીએસટી નંબર લીધા વિના જ કરચોરી કરતાં હતા.

46 સ્થળે દરોડામાંથી પ્રાથમિક અંદાજ મુજબ 4 કરોડની કરચોરી પકડાઈ છે. જીએસટી વિભાગે ટેક્સ પ્રોફાઈલિંગનો અભ્યાસ કરી કરચોરોને ઝડપી લીધા છે. સંખ્યાબંધ વેપારી જીએસટી રજિસ્ટ્રેશન લીધા પછી ટર્નઓવર છુપાવીને કમ્પોઝિશન સ્કીમનો ખોટી રીતે લાભ લઈ રહ્યા હોવાનું પણ આ કરચોરીમાં સામે આવ્યું છે.

B2B (બિઝનેસ ટુ બિઝનેસ) સેગમેન્ટમાં ચાલતી કરચોરી અટકાવવા સ્ટેટ જીએસટી વિભાગે મોબાઈલ એસેસરીઝ, રેડી ટુ ઈટ ફૂડ, કોસ્મેટિક્સ, પ્લાસ્ટિક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટ સર્વિસ સાથે સંકળાયેલા વેપારીઓ પર દરોડા પાડ્યા હતા.

જીએસટી વિભાગને બાતમી મળી હતી કે કેટલાક એકમો માલ અને સેવાનું સીધું વેચાણ કરે છે અને તેમનું ટર્નઓવર પણ ઘણું મોટું છે, આમ છતાં આ વેપારીઓ જીએસટી નંબર પણ મેળવ્યો ન હતો.

જીએસટી વિભાગના દરોડાની વિગતો તપાસીએ તો અમદાવાદમાં 14, સુરતમાં 12, રાજકોટમાં 8, વડોદરામાં 6, મોરબીમાં 2, આણંદ-ગાંધીધામ-જૂનાગઢ અને ભાવનગરમાં 1-1-1-1 સ્થળે દરોડા પાડ્યા છે.