ગુજરાત સરકારે વર્ગ 3-4ના કરાર આધારિત કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત

અમદાવાદ: ગુજરાત સરકાર સામે હાલમાં જુની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓએ આંખ લાલ કરી છે. ત્યારે સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો તેના આશ્રિતોને 14 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવશે.

આ બાબતે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ફરજ દરમિયાન અવસાન પામનાર કરાર આધારિત વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે.

રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગના સંયુક્ત સચિવ એચ કે ઠાકર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન 12 નવેમ્બર 2023 કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂપિયા 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે.

સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતો વખત થયેલા ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો- ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર; જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?