નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દાવા કરી રહી છે કે, આગામી સમયમાં ભારત વિશ્વની સૌથી મોટી ઇકોનોમી બની જશે, તો હાલમાં સરકારી મંત્રીઓ પોતાના ગુણગાણ ગાઇને ભારતને વિશ્વની પાંચમી ઇકોનોમી બનાવી દેવાની બડાઇ મારતા જોવા મળે છે. ટૂંક સમયમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે તેવા કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે ગુરુવારે વૈશ્વિક સ્તરનો ‘ગ્લોબલ હંગર ઈન્ડેક્સ’ જાહેર થયો છે.
આ હંગર રિપોર્ટ નરેન્દ્ર મોદી સરકાર માટે શરમજનક છે. કેમ કે, આ રિપોર્ટમાં ભારતની સ્થિતિ ખુબ જ ખરાબ હોવાનું સામે આવી રહ્યું છે. તો બીજી તરફ પીએમ મોદી અને તેમના મંત્રીઓ દુનિયામાં ડંકો વગાડી દીધાની વાતો કરતાં જોવા મળી રહ્યાં છે.
જણાવી દઇએ કે, 125 દેશોને સમાવતા આ સૂચકાંકમાં ભારતનો ક્રમ 111મો છે. વધુમાં ‘ચાઈલ્ડ વેસ્ટિંગ’નો દર પણ સૌથી વધુ 18.7 ટકા છે, જે દર્શાવે છે કે ભારતમાં ભૂખમરાની સ્થિતિ વધુ કથળી છે. આ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં પણ વધુ ખરાબ દર્શાવાઈ છે. જોકે, આ સૂચકાંકને કેન્દ્ર સરકારને ફગાવી દીધો છે અને દાવો કર્યો છે કે ભારતને બદનામ કરવાના બદઈરાદાથી આ ઈન્ડેક્સ તૈયાર કરાયો છે.
ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ) દ્વારા જાહેર કરાયેલો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (જીએચઆઈ) વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ભૂખમરાની સ્થિતિ પર નજર રાખે છે. આ સંસ્થા દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ 111મો છે.
આ પણ વાંચો- આમ આદમી પાર્ટીએ જ્ઞાન સહાયક મુદ્દે આજથી શરૂ કરી “યુવા અધિકાર યાત્રા”
આ ઈન્ડેક્સમાં 125 દેશોનો સમાવેશ કરાયો હતો. ગયા વર્ષે 121 દેશો પરના ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ 107 હતો. આ વર્ષના સૂચકાંક મુજબ વિશ્વમાં ‘ચાઈલ્ડ વેસ્ટિંગ’ રેટ પણ ભારતમાં સૌથી વધુ 18.7 ટકા છે જ્યારે વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં ભારતનો સ્કોર 28.7 ટકા છે, જે દર્શાવે છે કે ભારતમાં ભૂખમરાની સ્થિતિ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે.
આ ઈન્ડેક્સ મુજબ ભારતની સ્થિતિ તેના પડોશી દેશો પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ કરતાં પણ વધુ ખરાબ છે. છેલ્લા કેટલાક સમયથી રાજકીય અસ્થિરતા અને આકાશને આંબતી મોંઘવારીનો સામનો કરી રહેલું પાકિસ્તાન આ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 102, બાંગ્લાદેશ 81, નેપાળ 69મા ક્રમે છે. વધુમાં થોડાક સમય પહેલાં નાદારીના આરે પહોંચી ગયેલું શ્રીલંકા આ ઈન્ડેક્સમાં ૬૦મા ક્રમે છે.
દુનિયામાં ભૂખમરાની સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ એશિયા, આફ્રિકાના સહારા ક્ષેત્રના દક્ષિણ ભાગમાં છે, જ્યાં જીએચઆઈનો સ્કોર 27 છે. હંગર ઈન્ડેક્સના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટ મુજબ વિશ્વમાં ચાઈલ્ડ વેસ્ટિંગ રેટ ભારતમાં સૌથી વધુ 18.7 ટકા છે, જે દેશમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ પર પ્રકાશ પાડે છે. બાળકોની ઊંચાઈના સંદર્ભમાં વજનના આધારે ચાઈલ્ડ વેસ્ટિંગનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
ઈન્ડેક્સ મુજબ ભારતમાં કુપોષણનો દર 16.6 ટકા છે અને પાંચ વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર 3.1 ટકા છે. રિપોર્ટ મુજબ 15થી 24 વર્ષની સગીરા-યુવતીઓમાં એનેમિયાનો દર 58.1 ટકા જેટલો ઊંચો છે.
આ પણ વાંચો-મહેસાણા જિલ્લા પોલીસે નવરાત્રીને લઈને કર્યો ચુસ્ત બંદોબસ્ત; વાંચી લો ગાઈડલાઈન
આ હંગર ઈન્ડેક્સને કેન્દ્રની મોદી સરકારે ફગાવી દીધો છે. સરકારે સંસ્થાના ‘ભૂખમરાની સ્થિતિ’ માપવાના મૂલ્યાંકનો ખામીવાળા હોવાનો દાવો કરતા કહ્યું છે કે આ મૂલ્યાંકનો ભારતની સાચી સ્થિતિ રજૂ કરી રહ્યા નથી. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, આ ઈન્ડેક્સ તૈયાર કરવામાં ‘ગંભીર મેથડોલોજિકલ સમસ્યા’ છે. વધુમાં આ રિપોર્ટ બદઈરાદાપૂર્વક ભારતને બદનામ કરવા તૈયાર કરાયો હોવાનું દર્શાવે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સૂચકાંકમાં ભૂખમરાની સ્થિતિનું મૂલ્યાંકન કરવાના માપદંડો ખામીવાળા છે. આ ઈન્ડેક્સના ચારમાંથી ત્રણ માપદંડો બાળકના સ્વાસ્થ્ય સંબંધિત છે અને તે સંપૂર્ણ વસતીનું પ્રતિનિધિત્વ કરતા નથી જ્યારે ચોથો માપદંડ ‘પ્રપોર્શન ઓફ અન્ડરનોરિશ્ડ પોપ્યુલેશન’ માત્ર 3000ના અત્યંત નાના કદના ઓપિનિયન પોલ પર આધારિત છે.
મંત્રાલયે કહ્યું કે, એપ્રિલ 2023થી પાંચ વર્ષથી નાના બાળકોના ડેટા પોષણ ટ્રેકર પર અપલોડ કરાયા છે, જે સાતત્યપૂર્ણ વધારો દર્શાવે છે. તે એપ્રિલ 2023માં 6.43 કરોડથી વધીને સપ્ટેમ્બર 2023માં 7.24 કરોડ થયો છે. ચાઈલ્ડ વેસ્ટિંગની ટકાવારી પણ પોષણ ટ્રેક પર જોવા મળે છે, જે માસિક ધોરણે વધીને 7.2 ટકાથી નીચેના સ્તરે પહોંચી છે જ્યારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ચાઈલ્ડ વેસ્ટિંગ રેટ 18.7 ટકા દર્શાવાયો છે.
મનમોહન સિંહ VS નરેન્દ્ર મોદી
વિશ્વમાં ભૂખમરાની સ્થિતિ દર્શાવતા ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત 111મા ક્રમે છે. જોકે, વર્ષ 2013માં મનમોહન સરકારમાં ભારત 63મા ક્રમે હતું. ત્યાર પછી વર્ષ 2014માં તેમાં આંશિક સુધારો થઈને ૫૫મા ક્રમે પહોંચ્યું હતું. જોકે, ત્યાર પછી દેશમાં ભૂખમરાની સ્થિતિ ક્રમશઃ સતત કથળી છે અને આજે ભારત 111મા ક્રમે પહોંચી ગયું છે.
આ ઈન્ડેક્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે છેલ્લા નવ વર્ષમાં મોદી સરકારના શાસનમાં ભારતમાં ગરીબો વધુ ગરીબ થયા છે, મધ્યમ વર્ગ કચડાઈ રહ્યો છે જ્યારે ધનિકો વધુ ધનિક બન્યા છે. કેન્દ્ર સરકારે આ ઈન્ડેક્સને ફગાવી દીધો છે અને તેને બોગસ ગણાવ્યો છે. સરકારની એ વાત સાચી છે કારણ કે ભારતમાં ધનિકો વધુ ધનિક થયા છે એ બાબતની આ ઈન્ડેક્સમાં નોંધ જ લેવાઈ નથી.
આ પણ વાંચો- ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર; જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?