- મનસુખભાઈ તમારી આજુબાજુ ફરનારા દારૂ- જુગારના ધંધા સાથે સંકળાયેલા છે એમને પણ ખુલ્લા પાડો: ચૈતર વસાવા
- ભાજપ સરકાર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એવું મનસુખ વસાવાએ સ્વીકાર્યું એના હું એમને અભિનંદન આપુ છું: ચૈતર વસાવા
- નર્મદા જિલ્લામાં ખુલ્લે આમ દારૂ જુગારના અડ્ડા ચાલે છે એવી મનસુખ ભાઈની વાતનું હુ સમર્થન કરું છું: ચૈતર વસાવા
- નર્મદામાં દારૂ જુગારના ધંધા ચાલે છે એવી મે રેન્જ આઈજીને ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી: ચૈતર વસાવા
- ભાજપ સરકાર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એવું મનસુખ વસાવાએ સ્વીકાર્યું એના હું એમને અભિનંદન આપુ છું: ચૈતર વસાવા
વિશાલ મિસ્ત્રી; રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના કોલીવાડા ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્ર્મમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે અહીંયા પોલીસ જ લાખો રૂપિયા હપ્તા લઈ ઉપર રહીને દારૂનો ધંધો કરાવે છે. તો બીજી બાજુ આ મુદ્દે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મનસુખ વસાવાના સમર્થનમાં ઉતરી પડ્યા છે.એમણે સરકારને ચીમકી આપી છે કે નર્મદામાં દારૂ- જુગારના ધંધા બંધ કરવાં યોગ્ય કાર્યવાહી નહિ થાય તો જનતા રેડ કરીશું.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ઉદ્દેશીને જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ખુલ્લે આમ દારૂ જુગારના અડ્ડા ચાલે છે એવી મનસુખ ભાઈની વાતનું હુ સમર્થન કરું છું.મનસુખ વસાવા છેલ્લા 30 વર્ષથી સાંસદ છો, 27 વર્ષથી ભાજપની ગુજરાતમાં સરકાર છે, 9 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકાર છે તે છતા ભાજપ સરકાર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એવું મનસુખ વસાવાએ સ્વીકાર્યું એના હું એમને અભિનંદન આપુ છું. ચિત્રોલનો ભાજપ કાર્યકર દિનેશ વસાવા દારૂ વેચે છે અને સોલિયામાં ભાજપ યુવા મોરચાનો હોદ્દેદાર અને સોલિયાના સરપંચનો દિકરો પણ દારૂ સાથે ઝડપાયો હતો, આ બધા તમારી જ ભાજપ પાર્ટીનાં છે પણ તમારી આજુબાજુ જેટલાં ફરે છે એ લોકો પણ ખુબ મોટા પ્રમાણમાં દારુ જુગારના ધંધા સાથે સંકળાયેલા છે એમને પણ તમે ખુલ્લાં પાડો.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજથી 3 મહિના પેહલા જ્યારે વડોદરા રેન્જ આઈજી જ્યારે નર્મદાની મુલાકાતે હતા ત્યારે મે એવી ફરિયાદ કરી હતી કે નર્મદા જિલ્લામાં મોટા પ્રમાણમાં દારુ જુગારના અડ્ડાઓ ચાલે છે અને એમાં રાજકીય પાર્ટીનાં નેતાઓ અને પોલિસ સામેલ છે તે છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. નર્મદામાં દારૂ- જુગારના ધંધા બંધ કરવાં યોગ્ય કાર્યવાહી નહિ થાય તો જનતા રેડ કરીશું.